પાટણ:
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા ‘ભાડા વિધેયક-૨૦૨૬’ (રેન્ટ એક્ટ સુધારા વિધેયક) સામે સમગ્ર રાજ્યના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિધેયકના વિરોધમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આહ્વાન પર પાટણ જિલ્લાના વકીલો પણ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.


પાટણ કોર્ટ સંકુલમાં આજે વકીલોએ ‘કાળો કાયદો રદ કરો’ ન સુત્રોચાર દ્વારા ભાડા વિધાયક કાયદા ના વિરોધ કર્યો હતો. પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા બાર એસોસિએશનના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, પૂર્વના કાયદા મુજબ ભાડાને લગતા કોઈપણ વિવાદનું નિરાકરણ લાવવાની સત્તા અદાલતો પાસે હતી. જોકે, નવા વિધેયકમાં સુધારો કરીને આ ન્યાયિક સત્તાઓ હવે વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈ કરવામાં આવી છે.
વકીલ પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, વહીવટી અધિકારીઓ પાસે પહેલેથી જ કાર્યભાર વધુ હોવાથી પક્ષકારોને સમયસર ન્યાય મળવો મુશ્કેલ બનશે. આ જોગવાઈથી પક્ષકારો, સામાન્ય નાગરિકો તેમજ વકીલો સાથે મોટો અન્યાય થશે અને ન્યાય પ્રક્રિયા ખોરવાઈ જશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલા લડતના આદેશને પગલે પાટણ ડિસ્ટ્રિક્ટ એન્ડ રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર. ડી. દેસાઈ તથા પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ સુભાષભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં વકીલોએ કોર્ટ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ લોકવિરોધી જોગવાઈઓ પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.




