

પાટણના લોટેશ્વર ખાતેથી શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. લોટેશ્વર યુવક મંડળ દ્વારા વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને સાંતુસણા મુકામે જવા માટે પદયાત્રા સંઘનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ઢોલ-નગારા અને વાજતે-ગાજતે નીકળેલા આ પદયાત્રા સંઘમાં યુવાનો અને શ્રદ્ધાળુઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અંદાજે ૧૦૦ જેટલા પદયાત્રીઓનો આ સંઘ આખી રાત સતત ચાલીને આશરે ૫૦ કિલોમીટર જેટલું અંતર કાપીને સવારે સાંતુસણા પહોંચશે. પદયાત્રીઓને રસ્તામાં કોઈ તકલીફ ન પડે તે માટે વચ્ચે ચા-નાસ્તો અને જમવાની સુંદર વ્યવસ્થા પણ મંડળ દ્વારા કરવામાં આવી છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન સંઘના અગ્રણી મહેશ પટેલે જણાવ્યું હતું કે, “લોટેશ્વર યુવક મંડળ માત્ર એક મંડળ નથી પરંતુ એક પરિવાર છે. વર્ષોથી ચાલતી આ પરંપરા મુજબ અમે સૌ એક થઈને ભક્તિભાવ સાથે પગપાળા યાત્રા કરીએ છીએ.”
શ્રદ્ધા, એકતા અને ઉત્સાહ સાથે નીકળેલા આ પદયાત્રા સંઘથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.




