પાટણ: પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો અને વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાયી દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના આધારે એલસીબી પાટણ દ્વારા કુખ્યાત બુટલેગર સામે પાસા હેઠળ પગલાં લેવામાં આવ્યા છે.
પાટણ શહેરના બોકરવાડો, મોટા મદ્રેસા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય સદ્દામહુસેન કયુમુદ્દીન શરીફુદ્દીન ફારૂકી વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું. આ ઈસમના ગુનાહિત ઈતિહાસને ધ્યાને રાખી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીસીસી સેલ પાટણના એએસઆઈ રણવીરસિંહ ચમનસિંહ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. જેના આધારે જિલ્લા મેજીસ્ટ્રેટે તેને પાસા હેઠળ અટકાયતમાં લઈ “મધ્યસ્થ જેલ જૂનાગઢ” ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
હુકમના પગલે એલસીબી પાટણની ટીમે સદ્દામહુસેન ફારૂકીને ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. બી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. વી. ચૌધરી તેમજ અનાર્મ હેડ કોન્સ્ટેબલ મૌલીકકુમાર કિર્તીકુમાર, અનાર્મ હેડ કોન્સ્ટેબલ અતુલકુમાર બળદેવભાઈ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર ભલાભાઈ જોડાયા હતા.
ત્યારબાદ પાસા હુકમની બજવણી કરી આરોપીને જૂનાગઢ જેલ હવાલે કરવાની તજવીજ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. ભોયે, અનાર્મ હેડ કોન્સ્ટેબલ અશ્વીનકુમાર અમરતભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર રામાભાઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી સદ્દામહુસેન ફારૂકી સામે પાટણ સીટી એ ડિવિઝન, પાટણ સીટી બી ડિવિઝન, પાટણ તાલુકા, મહેસાણા જિલ્લાના બાવલું તથા કડી અને બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ (કલમ ૩૦૭), લૂંટ, મારામારી, આર્મ્સ એક્ટ, જુગાર તેમજ પ્રોહિબિશન સહિતના કુલ ૧૬ જેટલા ગુના નોંધાયેલા છે.




