SIR મુદ્દે કોંગ્રેસ પર અરાજકતા ફેલાવવાનો ગંભીર આરોપ!
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને સાચી માહિતી પહોંચાડવા અપાયું માર્ગદર્શન
ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે ‘ઘૂસણખોર હટાવો લોકતંત્ર બચાવો’ અભિયાન અંતર્ગત ઇન્ફ્લુએન્સર આઉટરીચ કાર્યક્રમની એક વિશેષ પાટણ જિલ્લા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિંધવ, પાટણ જિલ્લા મહામંત્રીઓ સંજયભાઇ પટેલ અને બાબુજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકને સંબોધતા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા SIR (વિશેષ સઘન મતદાર સુધારણા) વિશે ભ્રામક વાતો ફેલાવીને દેશમાં અરાજકતા ઊભી કરવામાં આવી રહી છે અને લોકશાહીનું હનન થઈ રહ્યું છે. આ કાવતરાને અટકાવવા અને જનતા સુધી સાચી હકીકત પહોંચાડવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અને કાર્યકરોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા સંયોજક અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર નવીન પ્રજાપતિ, પાટણ જિલ્લા સહ સંયોજક અશોકભાઇ પરમાર તેમજ ગૌરવભાઇ મોદી સહિત વિધાનસભા વિસ્તારના તમામ સંયોજકો અને સહસંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવવા માટે રણનીતિ પર ચર્ચા કરી હતી…..!




