પાટણ: પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનના દારૂબંધી (પ્રોહીબીશન) ના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે હારીજ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને પાટણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે આરોપીઓની તપાસમાં કાર્યરત હતા.
દરમિયાન એલ.સી.બી.ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, હારીજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુ.ર.નં. ૧૧૨૧૭૦૦૯૨૬૦૩૮૧/૨૦૨૬ (પ્રોહી કલમ ૬૫-એ-ઇ, ૮૧, ૮૩, ૧૧૬(બી), ૯૮(૨)) ના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજેશ ઉર્ફે રાજુ નારાયણભાઈ મોરી (રબારી) (ઉં.વ. ૩૦, રહે. જામ સુખપર, તા. જામ જોધપુર, જિ. જામનગર) હાલ હારીજ ત્રણ રસ્તા ખાતે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી રાજેશ ઉર્ફે રાજુ મોરીને દબોચી લીધો હતો. પોલીસે તેની સામે બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયતી પગલાં લઈ આગળની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી અર્થે હારીજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં પાટણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. ચૌધરી, એ.એસ.આઇ. લાલાભાઈ ચેહાભાઈ, એ.એસ.આઇ. વિપુલભાઈ ખોડાભાઈ, અ.હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ રાણાજી તેમજ આ.પો. કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જેસંગજી સહિતનો સ્ટાફ જોડાયો હતો.




