પાટણ સાયન્સ સેન્ટરની દિવાળીના તહેવાર દરમિયાન 26,200થી વધુ પર્યટકોએ મુલાકાત લીધી

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે વિજ્ઞાનને રસપ્રદ અને પ્રાયોગિક રીતે સમજાવવા માટે વિવિધ થીમ આધારિત ગેલેરીઓ, ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, વિજ્ઞાન આધારિત મોડેલ્સ અને ડાયનાસોર પાર્ક જેવા આકર્ષણો ઉપલબ્ધ છે. ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે આ સેન્ટર જ્ઞાન સાથે મનોરંજનનું ઉત્તમ સ્થળ બની રહ્યું છે.

દિવાળીના તહેવાર દરમિયાન તા. 10 નવેમ્બરથી 15 નવેમ્બર, 2026 દરમિયાન ફક્ત છ દિવસમાં 26,200થી વધુ પ્રવાસીઓએ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ વિજ્ઞાન અને ટેકનોલોજીની વિવિધ પ્રવૃત્તિઓ તથા પ્રદર્શનોનો આનંદ માણ્યો હતો.
પાટણ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી મુજબ વિજ્ઞાનને જનસામાન્ય સુધી પહોંચાડવા તેમજ બાળકો અને યુવાનોમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણી વિકસાવવા માટે સાયન્સ સેન્ટર ખાતે સતત વિવિધ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here