શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા ‘શિક્ષક સ્નેહમિલન સમારોહ’ યોજાયો

ભિક્ષાવૃત્તિ મુક્તિ માટેની ‘સ્માઈલ’ યોજનામાં શિક્ષકોએ સક્રિય સહભાગીદારીની ખાતરી આપી

પાટણ : શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણના ઉપક્રમે રવિવારે (તા. ૨૨/૧૧/૨૦૨૬) પાટણ શહેરમાં વસતા શિક્ષકોનો ‘શિક્ષક સ્નેહમિલન સમારોહ’ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. શ્રી પાટણવાડા ઔદિચ્ય બ્રહ્મસમાજ બોર્ડિંગ (દત્તાત્રેય સોસાયટીની બાજુમાં, જનતા હોસ્પિટલની સામે, પાટણ) ખાતે સવારે ૯:૦૦ કલાકે દીપ પ્રાગટ્ય સાથે સમારોહનો શુભારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ટ્રસ્ટની કામગીરીની વિગતો આપતા નરેશકુમાર દવેએ જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય (દિલ્હી) અનુદાનિત અને જિલ્લા સમાજ સુરક્ષા યોજના, પાટણના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સ્માઈલ’ (SMILE) યોજના અંતર્ગત પાટણ શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા લોકોને સંસ્થા દ્વારા ૬ મહિનાથી ૩ વર્ષ સુધી આશ્રય આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને બંને ટાઈમ ભોજન, ચા-નાસ્તો અને બે જોડી કપડાં નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાનો ઉદ્દેશ માત્ર આશ્રય આપવાનો નહીં, પરંતુ લાભાર્થીઓને સ્વમાનભેર અને પગભર જીવન જીવવા સક્ષમ બનાવવાનો છે. તે માટે દરેક લાભાર્થીની વ્યક્તિગત અને પારિવારિક માહિતી, શૈક્ષણિક લાયકાત, આર્થિક સ્થિતિ, ભિક્ષાવૃત્તિના કારણો તેમજ રુચિ અને ક્ષમતાની વ્યવસ્થિત નોંધણી કરી જરૂરિયાત મુજબ આગળની દિશા નક્કી કરવામાં આવે છે. લાભાર્થીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ સ્વરોજગાર અથવા નોકરી મેળવી શકે તે હેતુથી સિક્યુરિટી ગાર્ડ, સિલાઈકામ (ટેલરિંગ), બાગાયત (ગાર્ડનર), હસ્તકલા (હેન્ડીક્રાફ્ટ) અને હાઉસકીપિંગ સહિતની વિવિધ રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.

કાર્યક્રમમાં GCERT, ગાંધીનગરથી ઉપસ્થિત રહેલા પુલકિતભાઈ જોશીએ સૌ શિક્ષકોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. તેમણે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ શહેરમાં હાથ ધરવામાં આવતી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી તથા શિક્ષકોને ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાવા આહવાન કર્યું હતું.

સમારોહ દરમિયાન ઉપસ્થિત શિક્ષકો પાસેથી રચનાત્મક સૂચનો મેળવવામાં આવ્યા હતા. સમાજના ઘડતરમાં શિક્ષકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખી શિક્ષકોએ પણ ‘સ્માઈલ’ યોજનાને વધુ સફળ બનાવવા પોતાની ઉપયોગિતા અને સક્રિય ભાગીદારી નોંધાવવાની ખાતરી આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના અલ્પેશભાઈ, ચેતનાબેન તેમજ અન્ય સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે સૌએ સાથે મળી સ્નેહભોજન લીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here