ગેસ-પેટ્રોલ-ખાદ્યતેલના ભડકે બળતા ભાવથી મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું, નકલી માલ સામે કડક કાર્યવાહીની ઉગ્ર માંગ.

બેફામ વધતી મોંઘવારી અને બજારોમાં વેચાતી નકલી તથા ભેળસેળયુક્ત વેચાણ કરનારાઓના બેવડા માર સામે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરના નેતૃત્વમાં કરાયેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. પરિસ્થિતિ એવી બની છે કે સામાન્ય પરિવારો માટે બાળકોનું શિક્ષણ, વડીલોની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી અત્યંત મુશ્કેલ બની રહી છે.
એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ બજારમાં નકલી તથા ભેળસેળયુક્ત માલના બેરોકટોક વેચાણથી જનતા પરેશાન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગંભીર જનહિતના મુદ્દે પાટણ જિલ્લા કલેક્ટર સમક્ષ માંગણી કરાઈ છે કે ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા તાત્કાલિક પગલાં લેવામાં આવે. સાથે જ બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત ચેકિંગ હાથ ધરી નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓ વેચનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે……!




