પાટણ બજારમાં ખરીદી કરવા આવેલી મહિલાનું રૂ. ૨.૮૨ લાખની મત્તા ભરેલું પર્સ ગણતરીના કલાકોમાં શોધી પરત અપાવતી પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ

પાટણ:

પાટણ શહેરના બજારમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનું બે તોલા સોનાનું મંગળસૂત્ર અને રોકડ રકમ ભરેલું પર્સ રિક્ષામાં ભૂલાઈ ગયા બાદ, પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં જ પર્સ શોધી કાઢી મૂળ માલિકને પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરી છે.

બનાવની વિગત મુજબ, તા. ૧૯/૧૧/૨૦૨૬ ના રોજ સાંજના સુમારે એક મહિલા પાટણ બજારમાં ખરીદી કરીને રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાંથી ઉતરતી વખતે તેમના ધ્યાને આવ્યું હતું કે તેમનું પર્સ રિક્ષામાં જ રહી ગયું છે. આ પર્સમાં રૂ. ૨,૮૦,૦૦૦/- ની કિંમતનું બે તોલાનું સોનાનું મંગળસૂત્ર તેમજ રૂ. ૨,૦૦૦/- રોકડા મળી કુલ રૂ. ૨,૮૨,૦૦૦/- ની મત્તા હતી. ઘટના અંગે મહિલાએ તાત્કાલિક પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ઉકેલવા અપાયેલી સૂચના અંતર્ગત, સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા અને પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયેના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે તપાસ હાથ ધરી હતી.

પોલીસ ટીમે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તેમજ આજુબાજુની દુકાનોના સીસીટીવી કેમેરાની તપાસ કરીને શંકાસ્પદ રિક્ષાને શોધી કાઢી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રિક્ષામાં મુસાફરી કરી રહેલા અન્ય એક પેસેન્જર ભૂલથી પોતાના સામાન સાથે આ મહિલાનું પર્સ પણ લઈ ગયા હતા. પોલીસે તે પેસેન્જરનો સંપર્ક કરી પર્સમાં રહેલા બે તોલાના મંગળસૂત્ર અને રોકડ રકમ સહિતનો તમામ મુદ્દામાલ સહીસલામત પરત મેળવી મહિલાને સુપરત કર્યો હતો.

આ સમગ્ર સફળ કામગીરીમાં પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયે, પી.એસ.આઈ. એ.એમ. ચૌધરી, એ.એસ.આઈ. અલુભા દોલુભા, અનાર્મ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર દિનેશચંદ્ર, આર્મ પોલીસ કોન્સ્ટેબલ હેમરાજભાઈ અંબારામભાઈ, આર્મ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાંગકુમાર ભરતભાઈ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર સેવંતીલાલ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ અમરાભાઈ તેમજ પાટણ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ જોડાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here