QDC કક્ષાના ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં શેઠ એમ.એન.હાઇસ્કુલ પાટણ ની વિજ્ઞાન કૃતિ પ્રથમ ક્રમે વિજેતા

શેઠ એમ. એન. હાઇસ્કુલની ‘એરોપોનિક્સ ટાવર’ વિજ્ઞાન કૃતિ હવે SVS કક્ષાએ ભાગ લેશે…

નવી દિલ્હી સ્થિત એન.સી.ઈ.આર.ટી. (NCERT) દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં ગણિત–વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રસ – પ્રેરણા, સર્જનાત્મકતા અને નવીનતા વિકસાવવાનો છે, તેમજ તેઓને જીવન સાથે જોડાયેલા વૈજ્ઞાનિક પ્રશ્નોનો વ્યવહારુ ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ પોતાની વૈજ્ઞાનિક કલ્પનાઓને રૂપ આપવા આ પ્રદર્શનમાં જોડાય છે.
જે અંતર્ગત ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કુલ, પાટણના બાળ વૈજ્ઞાનિકોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ 4 વિજ્ઞાન કૃતિઓ તૈયાર કરી હતી. જેમાં વિભાગ–1 (ટકાઉ ખેતી) અંતર્ગત રજૂ કરાયેલી “એરોપોનિક્સ ટાવર” વિજ્ઞાન કૃતિએ QDC કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
આ કૃતિ હવે SVS કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામેલી છે. આ કૃતિ પટેલ ક્રીમા ચેતનકુમાર અને પ્રજાપતિ વિશ્વા અશ્વિનભાઈ નામના બાળ વૈજ્ઞાનિકોએ
શાળા ના મદદનીશ શિક્ષક પ્રકાશભાઈ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી.
“એરોપોનિક્સ ટાવર” — ટકાઉ ખેતી તરફનું એક વિશિષ્ઠ પગલું
21મી સદીમાં કૃષિ ક્ષેત્રે બે પડકારજનક પરિસ્થિતિઓ ઉભી થઈ છે — એક તરફ વધતી વસ્તી અને શહેરીકરણને કારણે ખેતીની જમીન ઘટતી જાય છે. બીજી તરફ વધુ ઉત્પાદન માટે રસાયણોના અતિરેક ઉપયોગથી જમીનની તંદુરસ્તી બગડી રહી છે. આવા સંજોગોમાં ભાવિ પેઢી માટે ખેતીના સ્ત્રોતો જળવાઈ રહે તે રીતે ઉત્પાદન વધારવા નવી પદ્ધતિઓ વિકસાવવી એ સમયની માંગ છે. આજ વિચારથી પ્રેરાઈને શેઠ એમ. એન. હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ “એરોપોનિક્સ ટાવર”ની રચના કરી છે. જે જમીન વિના પાણી અને હવાના આધારે પાક ઉગાડવાની આધુનિક પદ્ધતિ છે.
આ મોડલ વડે ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાશે તેમજ પર્યાવરણને નુકસાન ઓછું થશે.
શાળા સંચાલક મંડળના પ્રમુખ ડૉ. જે .કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, સંચાલક મંડળના તમામ સદસ્યો તથા આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે વિજેતા બનેલા વિદ્યાર્થીઓ પટેલ ક્રિમા, પ્રજાપતિ વિશ્વા તથા માર્ગદર્શક શિક્ષક પ્રકાશભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમની ઉજ્જવળ સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here