ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે ઉનાળુ વેકેશન નિમિત્તે ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે પાંચ વિવિધ થીમ આધારિત “રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ-2026”નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીનો પ્રથમ ત્રણ દિવસીય કેમ્પ, જેની થીમ “વૈજ્ઞાનિક કેવી રીતે બનવું” હતી, તે આજે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કેમ્પના પ્રથમ દિવસે ISRO ના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. કંદર્પ પંડ્યા અને એચ.એન.જી.યુ (પાટણ) ના લાઈફ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી આશિષ કુમાર આર. મોદીએ વ્યાખ્યાનો આપ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ‘સામાન્ય રાસાયણિક પ્રક્રિયા’જેવા પ્રયોગો કર્યા હતા.તેમજ સાંજે ‘પાત્રાભિનય’ દ્વારા જાણીતા વિજ્ઞાનીઓના પાત્રો ભજવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રાત્રે ‘આકાશ દર્શન’ દ્વારા બ્રહ્માંડના રહસ્યો જાણવાનો લ્હાવો મેળવ્યો હતો.
બીજા દિવસે શ્રીમતી દેવલબેન વ્યાસે ‘જ્ઞાન સાધના’ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે વકૃત્વ, નિબંધ લેખન અને ક્વિઝ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરાયા હતા. પ્રોફેસર રાજ કે. મહેતાએ ‘વૈજ્ઞાનિક પદ્ધતિ’ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે ‘કલર ઓફ કેમિસ્ટ્રી’ વર્કશોપમાં રસાયણોના રંગીન જાદુએ બાળકોમાં કુતૂહલ જગાડ્યું હતું. દિવસના અંતે ‘રાણી કી વાવ’ની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ ઇતિહાસ અને વિજ્ઞાનનો સમન્વય સમજ્યો હતો.
ત્રીજા દિવસે “પ્રયોગશાળાના સાધનો” અને “માનવ શરીર રચના” જેવા વર્કશોપ્સ યોજાયા હતા. ત્યારબાદ ગેલેરી વિઝિટ અને ગેલેરી આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રો વિશે પ્રાયોગિક સમજ મેળવી હતી. અંતે પ્રતિસાદ સત્ર યોજાયો અને સમાપન સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આવા કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો અમારો સતત પ્રયાસ રહેશે.
Home Uncategorized કૌતુક, કલ્પના અને વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ: પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘રેસિડેન્શિયલ...




