પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો: ભાજપની ‘નો રિપીટ’ થીયરી માસ્ટરસ્ટ્રોક સાબિત થશે કે કોંગ્રેસને મળશે સત્તાનો માર્ગ?

અંદરોઅંદરના વિખવાદ અને જનતાના રોષ વચ્ચે ભાજપે પત્તાં બદલ્યા; અસંતોષી નેતાઓ અને અપક્ષ ઉમેદવારો સમીકરણો બગાડી શકે તેવી શક્યતા

પાટણ:
પાટણ નગરપાલિકાના જંગ માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે પાટણના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની છેલ્લી ટર્મ વિવાદોની હારમાળા સમાન રહી હતી, જેના કારણે જનતામાં પ્રવર્તી રહેલા રોષને પારખીને ભાજપે આ વખતે ‘નો રિપીટ’ થીયરી અપનાવી છે. જોકે, આ દાવ ભાજપને ફળશે કે કોંગ્રેસ બાજી મારી જશે તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

ભાજપની હોશિયારી : નારાજ અને અસંતોષીઓને મનાવવાની મહારત :

છેલ્લી ટર્મ દરમિયાન ભાજપના જ કોર્પોરેટરો વચ્ચેનો અંદરોઅંદરનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. શહેરના વિકાસકામો ખોરંભે પડતા અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળતા મળતા નગરજનોમાં ભારે આક્રોશ હતો. સ્થિતિ એવી સર્જાઈ હતી કે કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં જતા પણ ડરતા હતા. પ્રજાના આ રોષને શાંત કરવા ભાજપે નવા ચહેરાઓ મેદાનમાં ઉતારી ‘નવી ટીમ, નવો વિકાસ’નો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, મજબૂત ચહેરાઓના પત્તાં કપાતા જનતામાં ચર્ચા છે કે નવા ઉમેદવારો અનુભવના અભાવે નબળા સાબિત થઈ શકે છે.

કોંગ્રેસ માટે સોનેરી તક

બીજી તરફ, કોંગ્રેસ માટે આ વખતની ચૂંટણી સત્તામાં પુનરાગમન માટેની મોટી તક મનાઈ રહી છે. જો કોંગ્રેસ પ્રજાના આક્રોશને મતમાં પરિવર્તિત કરી શકે અને વિવાદાસ્પદ ચહેરાઓના બદલે લોકપ્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતારે, તો સત્તાનું પલડું કોંગ્રેસ તરફ ઝૂકી શકે છે. પાટણની પ્રજા પરિવર્તન ઈચ્છી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે, જેનો સીધો ફાયદો વિપક્ષને મળી શકે તેમ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી એ પણ આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં એન્ટ્રી લેતા થોડા સમીકરણો બદલાઈ શકે તેમ છે ભલે આમ આદમી પાર્ટી સત્તા પર ન આવી શકે અથવા તો ઉમેદવારો જીતી ન પણ શકે પરંતુ તેઓની ઉમેદવાળી આ વખતની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવે તેવું વર્તાઈ રહ્યું છે.

અસંતોષીઓ અને અપક્ષો બનશે મોટું ફેક્ટર

ભાજપની ‘નો રિપીટ’ થીયરીનો ભોગ બનેલા પૂર્વ કોર્પોરેટરો અને ટિકિટ વાંચ્છુઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ચર્ચાઈ રહ્યું છે કે અનેક નેતાઓ પડદા પાછળ રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી શકે છે. તો વળી, કેટલાક નેતાઓ કેસરીયો છોડી કોંગ્રેસનો પંજો પકડી રહ્યા છે અથવા અપક્ષ તરીકે ફોર્મ ભરી ભાજપના મતોમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે ભાજપના નવા ચહેરાઓ પર જનતા વિશ્વાસ મૂકે છે કે પછી કોંગ્રેસ આક્રોશની લહેર પર સવાર થઈ પાલિકાના ગઢ પર કબજો જમાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here