ચૂંટણી જંગ: પાટણમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો, રાજ્યમાં ૨૬ એપ્રિલે ‘મહારણ’
પાટણ:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આજે પાટણ નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાથી પાટણ પ્રાન્ત કચેરી ખાતે ભારે ઉત્સાહ અને ધમાધમ જોવા મળી હતી. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષો સહિત કુલ ૧૩૭ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં
આમ આદમી પાર્ટી ના ૧૮, ભાજપ ૪૮, કોંગ્રેસ ૫૨ અને અપક્ષ દ્વારા ૧૯ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ભાજપે આ વખતે પાટણમાં ‘નો-રિપીટ’ ફોર્મ્યુલા અપનાવીને નવા ચહેરાઓને તક આપી છે, જેની સામે કોંગ્રેસ અને ‘આપ’ પણ જોરશોરથી મેદાને ઉતર્યા છે.
પાટણ નગરપાલિકા ચૂંટણી માટે વોર્ડ મુજબ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોની યાદી…
૧૧ એપ્રિલના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી ૧૩ એપ્રિલે તમામ નામાંકન પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તેઓ ૧૫ એપ્રિલ સુધીમાં ફોર્મ પાછું ખેંચી શકશે, ત્યારબાદ જ ચૂંટણી મેદાનમાં રહેલા મુરતિયાઓનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
ગુજરાતના ચૂંટણી કેલેન્ડર મુજબ, પાટણ સહિત રાજ્યની કુલ ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતો માટે ૨૬ એપ્રિલે મતદાન પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણીમાં કુલ ૭૨૪૧ વોર્ડની ૧૦,૦૩૯ બેઠકો પર જંગ ખેલાવાનો છે. જેમાં સૌથી વધુ ૫૨૭૧ બેઠકો તાલુકા પંચાયતોની અને ૨૬૩૨ બેઠકો નગરપાલિકાઓની છે. આ સાથે જ રાજ્યની ૧૧ નગરપાલિકાઓની ૧૩ ખાલી બેઠકો પર પેટા-ચૂંટણી પણ યોજાનાર છે. તમામ બેઠકોનું પરિણામ ૨૮ એપ્રિલે જાહેર કરવામાં આવશે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.




