
રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે જાન્યુઆરી મહિનામાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની ધમધમાટ વચ્ચે દેશની સૌથી મોટી સ્પર્ધા રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 નું આયોજન થવા જઈ રહ્યું છે. સાથે સાથે, સાયન્સ સેન્ટર દ્વારા નવા વર્ષ 2026ના પ્રથમ મહિના દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર આધારિત જ્ઞાનવર્ધક તથા પ્રયોગાત્મક પ્રવૃત્તિઓનું શ્રેણીબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 જિલ્લાઓની આશરે 100 જેટલી શાળાઓમાંથી 5000 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ 1500થી વધુ સામાન્ય નાગરિકો સહિત કુલ 6500થી વધુ સહભાગીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ અવધિ દરમિયાન નેશનલ સાયન્સ ફિક્શન ડે, ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે, વર્લ્ડ બ્રેઇલી ડે, વિશ્વ હિન્દી દિવસ, પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. હરગોવિદ ખુરાનાની જન્મજયંતિ તેમજ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 77માં પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ અને શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્યુમેન્ટરી શો, વૈજ્ઞાનિક વાર્તાલાપ તથા વિવિધ રસપ્રદ અને જ્ઞાનસભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ અને જાહેર જનતામાં વૈજ્ઞાનિક સમજણ વધે તે માટે ડ્રોન ટેક્નોલોજી, ખગોળવિજ્ઞાન તેમજ માનવ શરીર રચના તથા ઓપ્ટિકલ સાધનો પર વર્કશોપ યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન સાથે નવી ટેકનોલોજી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 ના ઝોનલ રાઉન્ડનું આયોજન પાટણના સાયન્સ સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતના 6 જિલ્લા (પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર,મહેસાણા) ના 53 તાલુકા (દરેક તાલુકામાંથી 5 જુનિયર અને 5 સિનિયર એમ કુલ 10 વિદ્યાર્થીઓ ભાગ લેશે)માંથી જુદીજુદી શાળાના ધોરણ 9 થી 12 ના આશરે 530 વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધા અંતર્ગત 65 જેટલા શિક્ષકો, દરેક તાલુકા કોઓર્ડિનેટરો તેમજ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટરો હાજર રહેશે.આ ક્વિજ સ્પર્ધા તા. 29 જાન્યુઆરીના રોજ જુનિયર લેવલ ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે તેમજ તા.30 જાન્યુઆરીના રોજ સિનિયર લેવલ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવશે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને વિવિધ પુરસ્કારો અને પ્રમાણપત્ર આપવામાં આવશે.




