પાટણ: બનાસકાંઠા રેન્જ આઈ.જી. પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાઈના માર્ગદર્શન હેઠળ પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે મહિલાઓની સુરક્ષા, અધિકાર અને પારિવારિક શાંતિ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે ખાસ ‘મહિલા હેલ્પ સેન્ટર / હેલ્પ ડેસ્ક’ તેમજ હેલ્પલાઇન સેવાનો શુભારંભ યોગીનીબેન વ્યાસ અને સંધ્યાબેન પ્રધાનના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યો હતો. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક, પારિવારિક કે શારીરિક-માનસિક કેસ (જેમ કે IPC ૪૯૮A) થી પીડિત મહિલાઓને સાંત્વના આપવા તથા તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવાનો છે.

એ-ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર કે. જે. ભોંયેએ જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે આ હેલ્પ ડેસ્ક મહિલાઓની ફરિયાદો અને સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે અત્યંત ઉપયોગી નીવડશે તેમજ પતિ-પત્ની વચ્ચેના ગૃહક્લેશ અને ઝઘડાઓમાં સુખદ સમાધાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને પીડિત મહિલાઓની સમસ્યાઓના ઉકેલ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.

કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં ઉપસ્થિત પાટણના જાણીતા એડવોકેટ અને મહિલા અગ્રણી સંધ્યાબેન પ્રધાને જણાવ્યું હતું કે, પાટણની મહિલાઓ સરદાર પટેલના આદર્શો મુજબ નીડર અને બાહોશ છે. સરકારશ્રી અને પોલીસ પ્રશાસન દ્વારા મહિલાઓના હિતમાં લેવાયેલા આ પ્રશંસનીય પગલાને બિરદાવતાં તેમણે વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, આ હેલ્પ સેન્ટર શરૂ થવાથી મહિલાઓને મોટી રાહત મળશે. દાંપત્યજીવનમાં તિરાડ, ઘરેલું કંકાસ કે ઘરેલું હિંસા જેવા મામલાઓમાં કુટુંબ તૂટતાં બચે અને સ્ત્રીઓ પરના અત્યાચાર કે મુશ્કેલીઓ અટકે તે રીતે કાઉન્સેલિંગ કરી બંને પક્ષો વચ્ચે સુમેળભર્યું સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
હેલ્પલાઇન નંબર અંગે રોચક વિશ્લેષણ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ નંબરના અંકોનો સરવાળો ૫૪ થાય છે, જેનો એકીકૃત સરવાળો ૯ (૫+૪=૯) બને છે. ભારતીય સંસ્કૃતિમાં નવ એ ‘નવદુર્ગા’નું પ્રતીક છે અને નારી પોતે શક્તિ સ્વરૂપ છે. આ શુભ સંયોગ સાથે શરૂ થયેલી સેવા પાટણ જિલ્લાની બહેનો માટે મુશ્કેલીના સમયમાં સાચા અર્થમાં રક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




