પાટણની ‘શેઠશ્રી એન.જી.પટેલ પ્રાથમિક શાળા’ને પ્રતિષ્ઠિત ‘સક્ષમ શાળા પુરસ્કાર’ એનાયત: રમત, કલા અને શિક્ષણમાં સર્વોચ્ચ સિદ્ધિ

જળ સંચય અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ ટ્રોફી સાથે બહુમાન: ખેલ મહાકુંભ અને શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ માર્યું મેદાન…

પાટણ:ઐતિહાસિક નગરી પાટણમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવતી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠશ્રી એન. જી. પટેલ પ્રાથમિક શાળાએ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી સમગ્ર પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્ય બદલ શાળાને પ્રતિષ્ઠિત ‘સક્ષમ શાળા પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વર્તન પરિવર્તન, ક્ષમતા નિર્માણ તેમજ પર્યાવરણ અને જળ સંચયના સફળ પ્રકલ્પો બદલ શાળાને જળ વ્યવસ્થાપન અંતર્ગત વિશેષ ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાઈ હતી.રમત-ગમત અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં દબદબોશિક્ષણની સાથે રમત-ગમતના મેદાનમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ગુજરાત સરકારના ‘ખેલ મહાકુંભ’ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI)ની વિવિધ સ્પર્ધાઓમાં શાળાના ખેલાડીઓ રાજ્ય કક્ષા સુધી વિજેતા બન્યા છે. તદુપરાંત, ‘કલા મહાકુંભ’માં જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાએ અને ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિદ્યાર્થીઓએ શાળાની કીર્તિ વધારી છે.સ્પર્ધાત્મક શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામશાળાના ગુણવત્તાયુક્ત શિક્ષણના પરિણામે રાજ્ય સરકાર દ્વારા આયોજિત NMMS, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં દર વર્ષે શાળાના અસંખ્ય વિદ્યાર્થીઓ ઉચ્ચ મેરિટ સાથે ઝળહળતી સફળતા હાંસલ કરી રહ્યા છે. શાળામાં મૂલ્યલક્ષી શિક્ષણ, પરંપરાગત તહેવારોની ઉજવણી, વિજ્ઞાન પ્રદર્શન તેમજ લોકશાહી પર્વ જેવા આયોજનો દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવામાં આવે છે. સાથે જ શિસ્ત, સ્વચ્છતા અને પર્યાવરણ સંવર્ધનને પ્રોત્સાહન આપી સંસ્થાએ ‘ગ્રીન સ્કૂલ’ તરીકે વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે.મંડળના હોદ્દેદારો દ્વારા અભિનંદનઆ ભવ્ય સફળતા બદલ મુખ્ય દાતા અને સંસ્થાના મંત્રી મનસુખભાઈ એન. પટેલ, પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ, સહમંત્રી અશોકકુમાર જી. પટેલ, નગરસેવક મનોજભાઈ કે. પટેલ, વહીવટી અધિકારી દિનેશભાઈ એસ. પટેલ, ડૉ. ધનરાજભાઈ ઠક્કર સહિત કારોબારી સભ્યોએ હર્ષ અને ગૌરવ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના હોદ્દેદારોએ આ સફળતાનો યશ શાળાના આચાર્ય વસંતભાઈ વી. પટેલ તથા સમર્પિત શિક્ષકગણની અથાક મહેનત અને માર્ગદર્શનને આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here