સાંતલપુર પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો: પાટણ SOGની કાર્યવાહી

મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ક્લિનિક ચલાવતો ચલવાડાનો શખ્સ રંગેહાથ પકડાયો

ઇન્જેક્શન, દવાઓ અને સાધનો સહિત રૂ. ૨૪,૮૪૧/-થી વધુનો મુદ્દામાલ જપ્ત

પાટણ:
પાટણ જિલ્લામાં કોઈપણ પ્રકારની અધિકૃત ડિગ્રી કે લાયસન્સ વગર નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા નકલી તબીબો સામે પોલીસે લાલ આંખ કરી છે. બનાસકાંઠા રેન્જ આઇજી ચિરાગ કોરડિયા તથા પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે.
મેડિકલ ઓફિસરને સાથે રાખી દરોડો પાડ્યો
SOG પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સ્થાનિક સરકારી મેડિકલ ઓફિસરને સાથે રાખીને સાંતલપુર વિસ્તારમાં શંકાસ્પદ સ્થળે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે રાધનપુર તાલુકાના ચલવાડા ગામનો વતની લાખાભાઈ નાથાભાઈ રબારી કોઈપણ મેડિકલ ડિગ્રી કે માન્ય લાયસન્સ ધરાવતો ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી રહ્યો હતો. તે દર્દીઓને તપાસીને ઇન્જેક્શન તેમજ એલોપેથિક દવાઓ આપી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો.
રૂ. ૨૪,૮૪૧નો મુદ્દામાલ કબજે
પોલીસે સ્થળ પરથી એલોપેથિક દવાઓ, વિવિધ ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો મળી કુલ રૂ. ૨૪,૮૪૧.૩૪/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બોગસ તબીબ લાખાભાઈ રબારી વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૩૧૯(૨) તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-૩૦ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં SOG પી.આઈ. જે.જી. સોલંકી, પીએસઆઈ ડી.કે. ચૌધરી, પીએસઆઈ એ.પી. ઠાકોર સહિત એએસઆઈ શૈલેષકુમાર, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ તથા કોન્સ્ટેબલ દિનેશભાઈ, હેતુભા અને ભરતજી જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here