ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે તા. 22 થી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાશે. “સુખાકારી અને ટકાઉ વિકાસ માટે પ્રાયોગિક અભિગમો” વિષયક આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકોને બદલાતા પર્યાવરણીય અને સામાજિક પરિદૃશ્યને અનુરૂપ વૈજ્ઞાનિક સમજ તથા વ્યવહારુ દૃષ્ટિકોણ પ્રદાન કરવાનો છે. કાર્યક્રમમાં ટકાઉ વિકાસ, પર્યાવરણીય સંરક્ષણ, જવાબદાર સંસાધન ઉપયોગ, ટકાઉ જીવનશૈલી, સ્વસ્થ અને પૌષ્ટિક આહાર, આબોહવા પરિવર્તન તથા વ્યક્તિગત અને સામાજિક સુખાકારી જેવા વિષયો આવરી લેવામાં આવશે. સહભાગીઓને પ્રાયોગિક પ્રવૃત્તિઓ, ઇન્ટરેક્ટિવ સત્રો, વર્કશોપ, વ્યવહારુ પ્રવૃત્તિઓ અને એક્સપૉસુર વિઝિટ દ્વારા વિષયોની સમજ આપવામાં આવશે, જેથી તેઓ આ જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી વધુ અસરકારક અને આકર્ષક રીતે પહોંચાડી શકે.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને માર્ગદર્શકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં શ્રી આશિષ અગ્રવાલ (ડિરેક્ટર – બ્રિજ4ચેન્જ), વિંગ-કમાન્ડર શ્રી ધર્મેન્દ્ર શર્મા (વેટરન, ફાઉન્ડર – એઆરસી ફાઉન્ડેશન), શ્રી જયેશભાઈ પટેલ (ડિરેક્ટર – સાબરમતી આશ્રમ ટ્રસ્ટ), પ્રોફ. સત્યેન્દ્ર એન. મિશ્રા (એક્સઆઈએમ યુનિવર્સિટી, ભુવનેશ્વર), સ્ક્વોડ્રન લીડર શ્રી એસ. વાય. દેશમુખ (વેટરન, એક્સ-ફેકલ્ટી – એમઆઈટી ડબલ્યુપીયુ), શ્રી દેવેન્દ્ર પારેખ (એન્વાયરમેન્ટલ સેનિટેશન ઇન્સ્ટિટ્યૂટ), શ્રી યુગ ચાવડા (સીએસઆર મેનેજર – ટીટીઈસી ઈન્ડિયા), શ્રી પુનિતભાઈ અગ્રવાલ (ડિરેક્ટર – પર્યાવરણ મિત્ર) નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકો માટે છે, જેમાં કુલ 30 સહભાગીઓએ ભાગ લઈ શકશે. કાર્યક્રમ દરરોજ સવારે 09:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી યોજાશે. સહભાગીઓને નાસ્તો, લંચ અને હાઇ ટી તેમજ અંતે સહભાગિતા પ્રમાણપત્ર આપવામાં આવશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી (IAS), ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS) અને વૈજ્ઞાનિક અધિકારી શ્રીમતી પૂનમ ભાર્ગવનો આભાર વ્યક્ત કરતાં પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આજના સમયમાં શિક્ષકોની ભૂમિકા માત્ર શૈક્ષણિક જ્ઞાન આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, પર્યાવરણીય જાગૃતિ અને જવાબદાર જીવનશૈલી વિકસાવવાની પણ છે. આ કાર્યક્રમ શિક્ષકો અને પ્રાધ્યાપકોને વર્ણિત વિષયોની વ્યવહારુ સમજ આપવા તેમજ પ્રાપ્ત જ્ઞાનનો વિદ્યાર્થીઓ અને સમાજ સુધી પ્રસાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.




