પાટણમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે ‘રન ફોર યુનિટી’ અક્તા દોડ યોજાઈ: અઢી હજારથી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા

જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીએ સૌને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લેવડાવ્યા

એસ.પી. કચેરીથી બગવાડા દરવાજા સુધીના રૂટ પર દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો

પાટણ: ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા ખાતે ભવ્ય ‘એકતા દોડ’ (રન ફોર યુનિટી)નું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોમાં દેશપ્રેમ, સામાજિક સમરસતા, ભાઈચારો અને અખંડિતતાની ભાવના મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર પાટણ શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોને રાષ્ટ્રની આંતરિક સુરક્ષા, એકતા અને અખંડિતતા જાળવી રાખવાના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ માનનીય મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત વરિષ્ઠ પદાધિકારીઓ અને પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયી દ્વારા લીલી ઝંડી આપી પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી એકતા દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દોડ પોલીસ અધિક્ષક કચેરીથી શરૂ થઈ ઐતિહાસિક બગવાડા દરવાજા સુધી પહોંચી હતી અને ત્યાંથી પુનઃ એસ.પી. કચેરી ખાતે પરત ફરી સંપન્ન થઈ હતી. રૂટ દરમિયાન સહભાગીઓએ હાથમાં તિરંગા અને સરદાર પટેલ અમર રહોના નારાઓ સાથે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

આ ‘રન ફોર યુનિટી’માં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ વિભાગના જવાનો, મેડિકલ સ્ટાફ, વિવિધ સ્થાનિક સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ., વિવિધ ક્લબના સભ્યો તેમજ શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ મળી આશરે ૨,૫૦૦ જેટલા લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

દોડ પૂર્ણ થયા બાદ ભાગ લેનાર તમામ સ્પર્ધકો અને નગરજનો માટે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એનર્જી ડ્રિંક તરીકે ઠંડા લીંબુ શરબત તથા પૌષ્ટિક નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here