લોકલ ફોર વોકલના સંદેશ સાથે પાટણમાં ત્રણ દિવસીય સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન…

પાટણ ખાતે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી ત્રણ દિવસીય સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લામાં કાર્યરત સખી મંડળો તથા મહિલા સશક્તિકરણને વધુ વેગ મળે તે હેતુથી તારીખ 18, 19 અને 20 ડિસેમ્બર, 2025 દરમિયાન આ મેળો યોજાયો હતો.

“લોકલ ફોર વોકલ”ના સંદેશને સાકાર કરતા આ ત્રણ દિવસીય સ્વદેશી મેળામાં વિવિધ સ્વદેશી અને પરંપરાગત ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા હતા. મેળામાં જનનિધિ ક્રેડિટ સોસાયટી દ્વારા વિશેષ સ્ટોલ મૂકવામાં આવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારનું પરંપરાગત દેશી ધાણીનું તેલ, કોલ્હાપુરનો પ્રખ્યાત દેશી ગોળ, શુદ્ધ સીંધાળુ મીઠું, કાજુના ટુકડા ઉપરાંત હાથવણાટથી તૈયાર કરાયેલા ચોરસા, ચાદર, નૅપ્કિન અને ટુવાલ જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર આયોજનમાં ભગિની સમાજનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો, જેના કારણે મહિલાઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની અને વેચાણ દ્વારા આવક વધારવાની તક મળી. પાટણ શહેર તેમજ તાલુકાની જનતાએ આ સ્વદેશી મેળાને ઉમંગભેર પ્રતિસાદ આપ્યો હતો અને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સમર્થન આપ્યું હતું.

મેળામાં આવેલા નાગરિકોએ આવાં સ્વદેશી મેળાઓ નિયમિત રીતે યોજાય તેવી લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોના પ્રોત્સાહનથી માત્ર મહિલાઓ જ નહીં પરંતુ સમગ્ર દેશની આર્થિક શક્તિ મજબૂત બને છે. સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે વધતી જાગૃતિ અને જનસહકારને કારણે પાટણનો આ સ્વદેશી મેળો સફળ અને યાદગાર બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here