ખેડૂતો અને પશુપાલકોને આપવામાં આવતી સહાય માત્ર નામની અને મર્યાદિત હોવાનો ગંભીર આરોપ
જો આગામી સમયમાં માંગ નહીં સ્વીકારાય તો ૨જી નવેમ્બરે કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચીમકી
પાટણમાં ઓછા વરસાદ વચ્ચે દુષ્કાળ જાહેર ન થતા ૨જી નવેમ્બરે ઉગ્ર આંદોલનની ચીમકી : આપ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી માહિતી
પાટણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આગેવાનોએ ચાલુ વર્ષની ચોમાસાની સિઝનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડેલા નહિવત વરસાદને લઈને સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા.
પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના બાબુજી ઠાકોરે જણાવ્યું હતું કે સરકારે ૨૦૧૬ના નિયમ મુજબ ૧૦ ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના હોય છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં માત્ર ચાર જ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં પણ ખેડૂતો કે પશુપાલકોને અપાતી સહાય માત્ર રૂ. ૮,૫૦૦ થી બે હેક્ટર મર્યાદિત રાખીને તેમની સાથે મજાક કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં પણ ખૂબ ઓછો વરસાદ પડ્યો હોવા છતાં તેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો નથી.
આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા વતી ખેડૂતોને આહ્વાન કરવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમગ્ર જિલ્લાના ખેડૂતો એકત્રિત થઈને પાટણ કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવશે અને જો માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




