પાટણમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિપક્ષી નેતાઓની અટકાયતના વિરોધમાં કોંગ્રેસના ધરણાં: મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ

દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત સામે કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ

ભાજપ પર પોલીસ દમન અને લોકશાહીના હનનનો લગાવ્યો આરોપ

પાટણ:
સમગ્ર દેશમાં વિપક્ષ દ્વારા દિલ્હી ખાતે જંતર-મંતર પર આયોજિત કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા દમન અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડના વિરોધમાં પાટણ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નેતૃત્વના આદેશ અનુસાર પાટણ શહેર કોંગ્રેસ સમિતિ તેમજ પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે એકત્ર થઈને ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.
કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકશાહી ઢબે થતાં શાંતિપૂર્ણ વિરોધને પણ શાસક ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ દમન દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશમાં લોકશાહી મૂલ્યોનું હનન થઈ રહ્યું છે અને વિપક્ષને પોતાના હકનો અવાજ ઉઠાવવા દેવામાં આવતો નથી.
આ ઉપરાંત આગેવાનોએ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ અને કોઈપણ પ્રકારની ગેરરીતિ વગર યોજાય તે અત્યંત જરૂરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે આરોપ લગાવતા તેમણે કહ્યું કે, તેમના સહયોગી ચૂંટણી કમિશનર દ્વારા ૧૪-૧૪ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં તેની કોઈ ગણતરી કરવામાં આવી નથી અને ભાજપના ઇશારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
પાટણ પ્રાંત કચેરી ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરોએ “હાય રે જ્ઞાનેશ… હાય હાય” ના સૂત્રોચ્ચાર કરી પરિસર ગજવી મૂક્યું હતું અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પાટણ શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here