આખરી નોટિસની મુદત પૂર્ણ થતાં તંત્ર એક્શન મોડમાં; બેઝમેન્ટનું દબાણ તોડી પાડી પાર્કિંગ ખુલ્લું કરાયું

બિલ્ડરનો ઈમ્પેક્ટ ફીનો દાવો ફગાવી પાલિકાએ કરી આકરી કાર્યવાહી: સમગ્ર બજાર વિસ્તારમાં ફફડાટ

પાટણ:
પાટણ શહેરમાં વધી રહેલા દબાણો અને ગેરકાયદેસર બાંધકામો સામે પાટણ નગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ચીફ ઑફિસર હિરલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમે પાટણના વ્યસ્ત ગણાતા મેઈન બજાર વિસ્તારમાં આવેલ જૂની દેના બેંક પાસેના અવધ આર્કેડ કોમ્પલેક્ષ ખાતે પહોંચીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીને સફળ બનાવવા માટે પાટણ નગરપાલિકા દ્વારા વહીવટી સ્તરે સઘન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઑફિસર હિરલબેન ઠાકરની સીધી ઉપસ્થિતિમાં ટાઉન પ્લાનિંગ શાખા, સર્વે શાખા, બાંધકામ વિભાગનો સ્ટાફ, દબાણ શાખા, ઇલેક્ટ્રિક વિભાગ તેમજ ફાયર બ્રિગેડ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વિવિધ વિભાગોના સંકલન સાથે કોમ્પલેક્ષમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર વિવાદ?
શહેરના મેઈન બજાર રોડ પર માં આદ્ય શક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ‘અવધ આર્કેડ’નું નિર્માણ કરાયું હતું. મંજૂર પ્લાન અને સીજીડીસીઆર (CGDCR) ના નિયમો મુજબ બેઝમેન્ટમાં ગ્રાહકો તથા વાહનચાલકો માટે પાર્કિંગ રાખવાનું અનિવાર્ય હતું. પરંતુ બિલ્ડર/સંચાલકો દ્વારા નિયમો નેવે મૂકીને પાર્કિંગની જગ્યામાં અનધિકૃત વ્યાપારી દુકાનો ખડકી દેવામાં આવી હતી. જેના કારણે મુખ્ય બજારના જાહેર માર્ગો પર વાહનોના આડેધડ પાર્કિંગથી દરરોજ ટ્રાફિક જામ સર્જાતો હતો અને રાહદારીઓ તથા ઈમરજન્સી વાહનો પણ અટવાઈ પડતાં હતાં.

જિલ્લા-રાજ્ય ‘સ્વાગત’માં રજૂઆત બાદ કાર્યવાહીનો ધમધમાટ
સ્થાનિક જાગૃત નાગરિક હેમંતકુમાર અશોકકુમાર પરીખ દ્વારા આ મામલે પાટણ પાલિકાથી લઈને ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને કલેક્ટર સમક્ષ ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પુરાવા સહિત રજૂઆતો કરવામાં આવી હતી. ઉચ્ચ સ્તરેથી મળેલી કડક સૂચના બાદ પાલિકાએ સંબંધિતોને પ્રથમ ૧૫ દિવસ અને ત્યારબાદ ૭ દિવસની આખરી પુનઃ નોટિસ ફટકારી હતી.
બિલ્ડરનો ખુલાસો ફગાવાયો: ઈમ્પેક્ટ ફી હેઠળ પણ છૂટ ન મળી
નોટિસના જવાબમાં સંચાલકોએ નિયમિત વેરો ભરતા હોવાનો અને ઈમ્પેક્ટ ફી (વટહુકમ-૨૦૨૨) હેઠળ બાંધકામ નિયમિત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પાલિકાએ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર વેરો ભરવાથી ગેરકાયદે બાંધકામ કાયદેસર થતું નથી અને સરકારી નિયમો મુજબ પાર્કિંગની જગ્યામાં થયેલું દબાણ કોઈપણ સંજોગોમાં નિયમિત થઈ શકે નહીં. આથી તેમનો ખુલાસો ફગાવી દેવાયો હતો.
મુદત પૂરી થતાં તંત્ર ત્રાટક્યું
આખરી નોટિસની મુદત પૂર્ણ થવા છતાં સ્વેચ્છાએ દબાણ દૂર ન કરાતાં, ચીફ ઓફિસર અને પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી ભોંયરામાં ઊભી કરાયેલી ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન શરૂ કરી દીધું હતું.
ચીફઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. ચીફ ઑફિસર હિરલબેન ઠાકર દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટ સૂચના અનુસાર પાટણ નગરપાલિકાના ધ્યાનમાં કે લેખિત રજૂઆતમાં આવતા આવા તમામ ગેરકાયદેસર બાંધકામો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી નગરપાલિકાએ શહેરીજનો અને વેપારીઓને અપીલ કરી છે કે જે લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય તેઓ તાત્કાલિક અસરથી જાતે જ દબાણો દૂર કરી લે, અન્યથા નગરપાલિકા દ્વારા કડક પગલાં ભરવામાં આવશે.. પાલિકાની આ કડક અને દાખલારૂપ કાર્યવાહીથી શહેરના અન્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ગળી જનારા તત્ત્વોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




