નવરાત્રિ પર્વને ભવ્ય બનાવવા ઉત્તર ગુજરાતમાં અનોખો પ્રવેશદ્વાર..
સુરક્ષા માટે QR કોડ અને ૪૦ સીસીટીવી કેમેરા ગોઠવાશે..
પાટણના હાંસાપુર સ્થિત ખોડાભા હોલ ખાતે આયોજિત હેરિટેઝ ગરબા 2026 નવરાત્રિ મહોત્સવના ભવ્ય આયોજનના આ વર્ષે સફળતાપૂર્વક પાંચમાં વર્ષમાં પ્રવેશ સાથે આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે અદ્યતન સુવિધાઓ અને સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ તેમજ દર્શકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષની સરખામણીએ આ વર્ષે વ્યવસ્થામાં મોટા પાયે અપગ્રેડેશન પણ કરવામાં આવ્યું છે.
હેરિટેઝ ગરબા 2026 ન આયોજક ચિરાગભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને આપેલ માહિતી મુજબ, ઉત્તર ગુજરાતમાં ક્યાંય ન જોવા મળે તેવો આકર્ષક અને માતાજીના મંદિરની વિશેષ ડિઝાઇનવાળો ભવ્ય પ્રવેશદ્વાર આ વર્ષે તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગ્રાઉન્ડમાં લાઈટિંગ અને ડેકોરેશનમાં વિશેષ સરપ્રાઈઝ ઉમેરવામાં આવ્યા છે, તેમજ આજુબાજુના તમામ ડાર્ક સ્પોટ્સ પર લાઈટો લગાવી અજવાળું કરી દેવામાં આવ્યું છે. 4000 માંનસો શાંતિથી ગરબા જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ડુપ્લિકેટ પાસ અટકાવવા ક્યૂઆર કોડ સિસ્ટમ અને અંબાજી મંદિર મોડેલ જેવી એન્ટ્રી લાઈન
ગત વર્ષે ડુપ્લિકેટ પાસના કારણે સર્જાયેલી તકલીફોને ધ્યાનમાં રાખીને આ વર્ષે કડક પગલાં લેવાયા છે. પ્રવેશ માટે ખાસ QR કોડ સ્કેનર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેથી અનધિકૃત વ્યક્તિ પ્રવેશ ન કરી શકે. આ ઉપરાંત, ભીડભાડ નિયંત્રણ અને બહેનો-દીકરીઓની સુરક્ષા માટે અંબાજી મંદિરની જેમ જ બેરિકેટિંગ કરીને ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ ત્રણ-ત્રણ પ્રવેશ લાઈનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચુસ્ત સુરક્ષા અને અગ્નિશમનની સજ્જતા
સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવતાં સીસીટીવી કેમેરાની સંખ્યા ૧૫થી વધારીને ૪૦ કરી દેવાઈ છે, જે ઓનલાઈન એક્સેસ સાથે ગ્રાઉન્ડના ખૂણે-ખૂણા પર નજર રાખશે. સિક્યુરિટી ગાર્ડ્સની સંખ્યા વધારીને ૪૦ (૩૦ પુરુષ અને ૧૦ મહિલા બાઉન્સર/ગાર્ડ્સ) કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રહેશે.
ફાયર સેફ્ટી માટે પાર્ટી પ્લોટની સુવિધા ઉપરાંત ગાર્ડનમાં ૧૫૦ જેટલા વિશેષ ફુવારા કાર્યરત રાખવામાં આવ્યા છે, જેનાથી તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી શકાય. તેમજ વધારાની સુરક્ષા માટે પાછળના ભાગે બે પાણીના ટેન્કર હંમેશા તૈયાર રાખવામાં આવશે.
પાર્કિંગ માટે ૬ વીઘા જમીન ફાળવાઈ
ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે સામેની સાઈડ ૬ વીઘા જમીન ફક્ત પાર્કિંગ માટે અનામત રાખવામાં આવી છે, જ્યાં વ્યવસ્થા સંભાળવા માટે ૩૦ જેટલા કર્મચારીઓ તૈનાત રહેશે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ૧૦ દિવસ સુધી વિવિધ જાણીતા કલાકારો ખેલૈયાઓને મન મૂકીને ગરબે ઘુમાવશે.




