દિયોદર જતી બસમાં ચડતી મહિલા ચેન સ્નેચિંગ નો શિકાર બની…


પાટણ તા. ૧૫
પાટણ બસ સ્ટેન્ડ પર શનિવારે સાંજે દિયોદર જતી બસમાં ચડતી એક મહિલાના ગળામાંથી આશરે 2 તોલાનો સોનાનો દોરો તફડાવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. ભીડનો લાભ લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ બનાવના પગલે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
નવસારીના રહેવાસી રંજનબેન ઈશ્વરભાઈ ઠક્કર પાટણ ખાતે સબંધીઓની ખબર પૂછીને તથા ધાર્મિક કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા.
તેઓ સાંજે દિયોદર જવા માટે પાટણ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. રંજનબેન અમદાવાદ-દિયોદર બસમાં ચડવા જઈ રહ્યા હતા ત્યારે બસમાં ભારે ભીડ હતી.આ ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યા ગઠિયાએ તેમના ગળામાં પહેરેલો આશરે 2 તોલા સોનાનો દોરો કાપી લીધો અને ફરાર થઈ ગયો.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક 112 નંબર પર કોલ કરવામાં આવ્યો હતો. જેના આધારે સરસ્વતી તાલુકા અને પાટણ તાલુકાની પોલીસની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બસમાં સવાર તમામ મુસાફરોની તપાસ હાથ ધરી હતી. સ્નેચિંગનો ભોગ બનેલા રંજનબેન ઠક્કરને ફરિયાદ નોંધાવવા માટે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ..



