પાટણ યુનિવર્સિટી ની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ગાઈડ અને લીપિશાસ્ત્રના અભ્યાસક્રમોને મંજૂરી અપાઈ..

પાટણ તા. ૧૬
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની એકેડેમિક કાઉન્સિલની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠકમાં જૈનોલોજી અંતર્ગત સ્ક્રીપ્ટોલોજી (લીપિશાસ્ત્ર)નો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનું આયોજન કરાયું છે. આ કોર્સ માટે જૈન ટ્રસ્ટ તરફથી મદદ મળશે.
આ ઉપરાંત, પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ, મોઢેરા અને સિદ્ધપુરના પુરાતત્વીય વારસાને ઉજાગર કરવા માટે ગાઈડનો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા પર પણ વિચારણા થઈ હતી. યુનિવર્સિટી સંલગ્ન કોઈપણ કોલેજ પોતાના વિસ્તારના વારસાને ધ્યાનમાં રાખીને આવા કોર્સ શરૂ કરી શકશે, જેનાથી વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઊભી થશે.
યુનિવર્સિટીએ કેટલીક કોલેજોને શરતોની પૂર્તતા માટે અગાઉ લાંબો સમય આપ્યા બાદ ફરી 45 દિવસનો સમય આપ્યો હતો. જે કોલેજોએ આ સમયગાળામાં પણ શરતો પૂરી કરી નથી તેમની યાદી સરકારમાં મોકલી આપવાનો નિર્ણય લેવાયો છે.
નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં ડિપ્લોમા ટુ ડિગ્રીની જેમ પીએચડીનો ચાર વર્ષનો અભ્યાસક્રમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં ત્રણ વત્તા બે વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે, પરંતુ NEP હેઠળ આ કોર્સ ચાર વર્ષનો થશે, જેમાં વિદ્યાર્થીનું અનુસ્નાતકનું વર્ષ એક વર્ષનું થઈ જશે.
ચાર વર્ષના પી.જી. કોર્સને કારણે,જે અધ્યાપકો પી.જી.માં ભણાવતા ન હોય તેમને પી.જી.ની લાયકાત આપીને
પીએચડી ની લાયકાત ધરાવતા અધ્યાપકો ચોથા વર્ષમાં ગાઈડ બની શકે તેવી વ્યવસ્થા અમલમાં મૂકવાનો પણ નિર્ણય લેવાયો છે.
એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કુલપતિ ડો. કિશોર પોરીયા, રજિસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ, દિલીપ ચૌધરી, ડો.શ્રેયાંશ ભટ્ટ, ડો.પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા,જ્યારે અન્ય ઘણા સભ્યો ઓનલાઈન જોડાયા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here