પાટણ FPS સંચાલકોની હડતાળની ચીમકી

પડતર માંગણી મુદ્દે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, 1 નવેમ્બરથી અનાજ વિતરણ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી

પાટણ જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનો (FPS) ના સંચાલકોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા 1 નવેમ્બરથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. બુધવારે, સંચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.

પાટણ જિલ્લા એફ.પી.એસ. એસોસિએશને પુરવઠા મંત્રી સહિતના અધિકારીઓને વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો, પ્રોફાઈલમાં તકેદારી સહાયનો ઉમેરો, સિંગલ ફિંગર પ્રિન્ટથી બે બિલ અને સમિતિના સભ્યોના 80 ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો, સમયસર કમિશનની ચુકવણી અને ટેકનિકલ તેમજ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ શામેલ છે.

એસોસિએશને જણાવ્યું છે કે, જો તેમની પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આ અંતર્ગત, તેઓ નવેમ્બર માસના જથ્થાના ચલણ ભરશે નહીં અને 1 નવેમ્બરથી અનાજ વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહી અસહકાર આંદોલન શરૂ કરશે.

પાટણ જિલ્લા એફ.પી.એસ. એસોસિએશનના પ્રમુખ તળજાભાઈ એલ. દેસાઈએ જણાવ્યું હતું કે, જિલ્લાની કુલ 504 દુકાનોના સંચાલકો આ આંદોલનમાં જોડાયા છે. અત્યાર સુધી એક પણ દુકાનદારે નવેમ્બર માસ માટે ચલણ જનરેટ કર્યું નથી અને તેઓ તેમ કરવાના પણ નથી. આવેદનપત્ર સુપરત કરતી વખતે જિલ્લા પ્રમુખ તળજાભાઈ દેસાઈ, ઉપપ્રમુખ વિક્રમભાઈ જોશી, મંત્રી દિનેશભાઈ પરમાર સહિત સસ્તા અનાજની દુકાનના અનેક સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here