પાટણ LCBની ટીમે ₹56.45 લાખનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો મોટોજથ્થો જપ્ત કર્યો, એકની ધરપકડ

સિદ્ધપુર હાઈવે પરથી વિદેશી દારૂનો મોટોજથ્થો ઝડપાયો…

પાટણ એલ.સી.બી.એ સિદ્ધપુર-મહેસાણા હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹56,45,132/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયીની સૂચનાના આધારે કરવામાં આવી હતી.

એલ.સી.બી. પાટણનો સ્ટાફ સિદ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે, ધારેવાડા તરફથી મહેસાણા જઈ રહેલા એક કન્ટેનર ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સિદ્ધપુર-મહેસાણા હાઈવે પર હોટલ અમરદીપ નજીક નાકાબંધી કરી હતી.

નાકાબંધી દરમિયાન, કન્ટેનર ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 6168 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹46,39,632/- આંકવામાં આવી છે.

પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક ચાલક રમેશ ભભુતારામ ઇશરારામ ધતરવાલ (જાટ), રહે. બુદરાની હુડો કી, નિમ્બલકોટ, તા. ગુડામલાણી, જિ. બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹46,39,632/-ની દારૂની બોટલો, ₹10,00,000/-નો કન્ટેનર ટ્રક, 5,000/-નો મોબાઈલ ફોન અને ₹500/-નું જી.પી.એસ. મળી કુલ ₹56,45,132/-નો મુદ્દામાલનો સમાવેશ થાય છે.

પકડાયેલા આરોપી વિરુદ્ધ સિદ્ધપુર પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન એક્ટની કલમ 65(એ), 65(ઇ), 116(બી), 81, 83, 98(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં વિકાસજી અને કન્ટેનર ટ્રકના માલિક સહિત બે આરોપીઓ હજુ ફરાર છે, જેમની વધુ તપાસ એલ.સી.બી. પાટણ દ્વારા હાથ ધરવામાં આવી છે……!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here