
પાટણ હેડ પોસ્ટ ઓફિસ લાવ્યું દેશના વારસાને માણવાની સુવર્ણ તક!
દુર્લભ ટિકિટોથી મહેંકશે ગોકુલ યુનિવર્સિટી

ગૌરવવંતી પળ : પરિવાર સાથે માણો આપણો ભવ્ય વારસો!
ભારતીય ટપાલ વિભાગ, પાટણ હેડ પોસ્ટ ડિવિઝન દ્વારા આગામી તારીખ ૫ અને ૬ ઓક્ટોબરના રોજ સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના કન્વોકેશન હોલ ખાતે ફિલાટેલી (ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશેષ પ્રદર્શન અંગે માહિતી આપતા પાટણ હેડ પોસ્ટ ડિવિઝનના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ રાજેન્દ્રપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ગુજરાતભરમાંથી 17 થી વધુ ટિકિટ સંગ્રહકો (Philatelists) ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાના દુર્લભ સંગ્રહો પ્રદર્શિત કરશે. પાટણ અને આસપાસના તમામ નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ ઇતિહાસ પ્રેમીઓ માટે આ એક અદ્ભુત તક છે.
આ પ્રદર્શનની સૌથી મોટી વિશેષતા એ છે કે મુલાકાતીઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક (કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ વગર) રાખવામાં આવ્યો છે. સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે.
આ પ્રદર્શનમાં ભારતનો ઇતિહાસ, ભવ્ય સ્થાપત્યો, દેશના વીર શહીદો, ક્રાંતિકારી ચળવળો તેમજ પ્રકૃતિ, વૃક્ષો અને પક્ષીઓ સાથે જોડાયેલી અનેક દુર્લભ અને અદ્ભુત ટિકિટો જોવા મળશે. આ પ્રદર્શન જ્ઞાનવર્ધક અને બહુહેતુક હોવાથી પાટણ જિલ્લાની તમામ જનતા અને વિદ્યાર્થીઓને પરિવાર સાથે પધારવા અને આ અનોખા જ્ઞાનનો લાભ લેવા માટે પાટણ હેડ પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે…..!




