પાટણ:
ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા ઇશ્યુ કરાયેલા બી.એન.એસ.એસ. કલમ-૭૨ મુજબના ધરપકડ વોરંટના કામે લાંબા સમયથી નાસતા ફરતા બે શખ્સોને પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે બાતમીના આધારે અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે।
બનાસકાંઠા રેન્જ આઇજીપી પરિક્ષીતા રાઠોડ તથા પાટણ ઇન્ચાર્જ એસપી પ્રશાંત સુંબે દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ અંતર્ગત એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે. જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગ અને તપાસમાં હતા, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપીઓ હાલ અમદાવાદ ખાતે છુપાયેલા છે।
બાતમીના આધારે એલસીબીની ટીમે તપાસ હાથ ધરી મૂળ વિજાપુરના વસાઈ ડાભલાના વતની અને હાલ અમદાવાદ શહેરના મુઠીયા ટોલનાકા નજીક સીવનતા-૮૪ ફ્લેટમાં ભાડેથી રહેતા અનિલગીરી સુરેશગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી (ઉં.વ. ૩૯) તેમજ મૂળ ઇડરના વતની અને હાલ અમદાવાદના રાણીપ, નિર્ણય નગર સોમેશ્વર ટેનામેન્ટમાં ભાડે રહેતા ભૌતીકગીરી રમેશગીરી રતનગીરી ગૌસ્વામી (ઉં.વ. ૩૪)ને તેઓના સરનામેથી દબોચી લીધા હતા। બંને આરોપીઓની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)જે મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ચાણસ્મા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે।
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે; જેમાં અનિલગીરી ગૌસ્વામી સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલો છે, જ્યારે ભૌતીકગીરી ગૌસ્વામી સામે સાબરમતી, નરોડા, માધવપુરા, સરદારનગર, ગાંધીનગરના ચિલોડા તેમજ પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ખંડણી, મારામારી અને જુગાર જેવા અંદાજે ૭ જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે।
આ સમગ્ર સફળ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે. જી. સોલંકી, પીએસઆઈ એસ. બી. સોલંકી, પીએસઆઈ પી. વી. ચૌધરી તેમજ હેડ કોન્સ્ટેબલ મૌલિકકુમાર, અતુલકુમાર, કોન્સ્ટેબલ કિરણભાઈ અને ડ્રાઇવર બીપીનકુમાર સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી।




