જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે ‘વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહ’નો પ્રારંભ

“એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી ઉપયોગ આરોગ્ય માટે ગંભીર પડકાર, ડૉક્ટરની સલાહ વિના દવાઓ લેવાનું ટાળો” : ભાવિકભાઈ પટેલ

પાટણ: પાટણ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહ’ (World AMR Awareness Week) અંતર્ગત ઉદ્ઘાટન કાર્યક્રમ અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “એક આરોગ્ય, એક પહેલ : એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સને આજે જ અટકાવો” રાખવામાં આવી છે.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ. પટેલ, આઈ.એમ.એ. પ્રમુખશ્રી ડૉ. પ્રતિક શાસ્ત્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિષ્ણુભાઈ પટેલ, સી.ડી.એમ.ઓ. ડૉ. પ્રીતિબેન સોની, આર.સી.એચ.ઓ. ડૉ. દિવ્યેશ પટેલ, ડી.ટી.ઓ. ડૉ. દેવેન્દ્ર પરમાર, ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ. મિતેશ પ્રજાપતિ ઉપરાંત જિલ્લા પશુપાલન અધિકારીશ્રી, જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીના અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સહિત જિલ્લા-તાલુકાના અન્ય અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી અને અતિશય ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ઘણી વખત લોકો ડૉક્ટરે અગાઉ લખી આપેલી જૂની પ્રિસ્ક્રિપ્શનના આધારે મહિનાઓ કે વર્ષો પછી પણ મેડિકલ સ્ટોર પરથી પોતાની રીતે દવાઓ ખરીદીને લેતા હોય છે, જે અત્યંત જોખમી છે. તેમણે એઝિથ્રોમાઈસિનનું ઉદાહરણ આપતા ઉમેર્યું હતું કે, અગાઉ ઓછી માત્રામાં અસરકારક સાબિત થતી દવાઓ માટે હવે વધુ માત્રાની જરૂરિયાત ઊભી થઈ રહી છે, કારણ કે અનિયંત્રિત ઉપયોગથી સૂક્ષ્મજીવોમાં દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા (AMR) વિકસી રહી છે. સરકાર જનજાગૃતિ માટે કટિબદ્ધ છે ત્યારે નાગરિકોએ પણ તબીબી સલાહ વિના મેડિકલ સ્ટોર પરથી સીધી દવાઓ લેવાની પ્રથા બંધ કરવી જોઈએ.

કાર્યક્રમ દરમિયાન એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) એટલે કે બેક્ટેરિયા સહિતના સૂક્ષ્મજીવોમાં દવાઓ સામે પ્રતિકારક શક્તિ વિકસવાથી સામાન્ય ચેપની સારવાર પણ કેવી રીતે મુશ્કેલ બની શકે છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત, વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અને સંક્રમણ નિયંત્રણ માટે જરૂરી સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એન્ટિબાયોટિક દવાઓના જવાબદારીપૂર્વક ઉપયોગનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ “એન્ટિબાયોટિકનો યોગ્ય ઉપયોગ કરો, AMR સામે જાગૃતિ ફેલાવો અને આવનારી પેઢીનું આરોગ્ય સુરક્ષિત બનાવો” ના સંદેશને સાર્થક કરવા સામૂહિક સંકલ્પ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here