પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ આયોજિત પાંચ દિવસીય ‘ડ્રોન મેકિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ’ યોજાશે

24 થી 28 નવેમ્બર, 2026 દરમિયાન યુવાનોને ડ્રોન ટેકનોલોજીનું સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક તાલીમ અને જાતે ડ્રોન બનાવવાનો અનુભવ મેળવવાની મળશે નિઃશુલ્ક તક.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘ડ્રોન લેબ’ અંતર્ગત તા. 24 થી 28 નવેમ્બર, 2026 દરમિયાન પાંચ દિવસીય નિઃશુલ્ક ‘ફંડામેન્ટલ્સ ઑફ ડ્રોન મેકિંગ’ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ યોજાયેલા પ્રથમ તાલીમ કાર્યક્રમને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને પગલે ફરી એકવાર વિદ્યાર્થીઓ અને યુવાનોને ઝડપથી વિકસતી ડ્રોન ટેકનોલોજી શીખવા, સમજવા અને તેનો પ્રાયોગિક અનુભવ મેળવવાની ઉત્તમ તક ઉપલબ્ધ થવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે તા. 27 થી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન આયોજિત પ્રથમ પાંચ દિવસીય ‘ફંડામેન્ટલ્સ ઑફ ડ્રોન મેકિંગ’ ટ્રેનિંગ પ્રોગ્રામમાં કુલ 43 જેટલા સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તાલીમના અંતે યોજાયેલી મૂલ્યાંકન પરીક્ષામાં સહભાગીઓએ સરેરાશ 72.40 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું, જે તાલીમની અસરકારકતા અને સહભાગીઓની શીખવાની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રથમ કાર્યક્રમની આ સફળતા અને મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને બીજા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, “ડ્રોન ટેકનોલોજી એ ભવિષ્યની અત્યંત મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતી ટેકનોલોજી છે. કૃષિ, સંરક્ષણ, ઔદ્યોગિક ક્ષેત્ર, સર્વેક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન સહિત અનેક ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ સતત વિસ્તરી રહ્યો છે. પ્રથમ તાલીમ કાર્યક્રમને મળેલો ઉત્સાહજનક પ્રતિસાદ એ દર્શાવે છે કે વિદ્યાર્થીઓ અને યુવાનોમાં આ અદ્યતન ટેકનોલોજી શીખવા અને તેમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રત્યે વિશેષ રસ છે. બીજા તાલીમ કાર્યક્રમના માધ્યમથી પણ યુવાનોને સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે જાતે ડ્રોન બનાવવાની, તેના વિવિધ ઘટકોની કાર્યપદ્ધતિ સમજવાની અને તેનું સંચાલન શીખવાની પ્રત્યક્ષ તક મળશે. આવા તાલીમ કાર્યક્રમો યુવાનોને ભવિષ્યની ટેકનોલોજી માટે સજ્જ કરવા તથા તેમને નવીનતા અને કૌશલ્ય આધારિત કારકિર્દી તરફ પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here