પાટણ કોર્ટના ૩ સજા વોરંટમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા સુરતના આરોપીને ઝડપી પાડતી પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ

પાટણ: પાટણ કોર્ટના અલગ-અલગ ત્રણ સજા વોરંટોમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા રેન્જ, પાલનપુરના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા નાસતા ફરતા, જેલ ફરારી તેમજ નામદાર કોર્ટ દ્વારા સજા પામેલા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા અને પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. શાહના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

આ દરમિયાન અ.હેડ.કોન્સ. હિતેશભાઇ અમરાભાઇને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે, પાટણ બીજા એડી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના અલગ-અલગ સજા વોરંટમાં નાસતો ફરતો આરોપી ગોવિંદભાઇ રણછોડભાઇ પટેલ (રહે. ૩૨૨, ગોપાલનગર, ગુ.એચ.બોર્ડ, પાંડેસરા, સુરત) હાલ પાટણ ટાઉનના ઉંઝા ત્રણ રસ્તા પાસે ઉભો છે.

બાતમીના આધારે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપી ગોવિંદભાઇ રણછોડભાઇ પટેલને ઉંઝા ત્રણ રસ્તા પાસેથી હસ્તગત કરી લીધો હતો. ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

આરોપી સામે એડી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, પાટણના સી.સી. નંબર ૬૬૫૮/૨૦૨૧, ૭૧૦૬/૨૦૨૧ અને ૮૧૪૫/૨૦૨૧ મુજબના ત્રણ સજા વોરંટ ઈશ્યુ થયેલા હતા. આ સમગ્ર કામગીરીમાં પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એ. શાહ, પી.એસ.આઈ. એચ.આર. ગાડીયા, અ.હેડ.કોન્સ. હિતેશભાઇ અમરાભાઇ તેમજ અ.પો.કો. આકાશકુમાર માનસિંહભાઇ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here