નિ:સ્વાર્થ સેવા સંગઠનનું સન્માનપત્ર પ્રાપ્ત કરતાં પ. પૂ. દોલતરામ બાપુ…

આધ્યાત્મિક સેવાના આધારસ્તંભ પુ. દોલતરામ મહારાજ દ્રારા કોરોના કાળમાં કરેલ વિવિધ સેવાકાર્યોને ધ્યાનમાં લઇ નિ:સ્વાર્થ સેવા સંગઠન દ્વારા સન્માનિત કર્યા…

પાટણ તા. ૨૮
નોરતા ધામના સંત શિરોમણી અને આધ્યાત્મિક સેવાના આધારસ્તંભ પુ. દોલતરામ મહારાજ દ્રારા કોરોના કાળમાં કરેલ વિવિધ સેવાકાર્યોને ધ્યાનમાં લઇ નિ:સ્વાર્થ સેવા સંગઠનના ચેરમેન નીતિન ધોતિયા અને રબારી રમેશભાઈ કાળુભાઈ (રામદાસ)ના હસ્તે નિ:સ્વાર્થ સેવા સંગઠનનું સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંત શિરોમણી પરમ પૂજ્ય દોલતરામ મહારાજ નો જન્મ પાટણ તાલુકાના નોરતા ગામે માતાજી સબુબા અને પિતા ચેહરાજી લાખાજી ઠાકોરના નિવાસ સ્થાને થયેલ કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના દોલતરામ મહારાજે પાટણ માં રહી માર્ચ, ૧૯૬૮ માં ઓલ્ડ એસ.એસ.સી. સુધીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. તેમની કારકિર્દી ૨૬મી, ડિસેમ્બર ૨૦૭૨ના રોજ ઉત્તર ગુજરાત વર્તુળના ધરોઈ ડેમ ખાતે શરૂ થઈ. જ્યાં તેમણે પોતાની ફરજ ઉપરાંત આધ્યાત્મિક યાત્રા પણ ચાલુ રાખી. ૧૦૦ દિવસ સુધી માત્ર પ૦ ગ્રામ મગનું ભોજન તથા ૩૧ દિવસ સુધી માત્ર ૫૦ ગ્રામ પાણી પીવા જેવી કઠિન ધ્યાન,યોગ અને પ્રાણાયામ જેવી સાધના દ્વારા કુંડલિની જાગૃતિ સુધી દોલતરામ મહારાજ ભક્તિમાં લીન રહ્યા.
ભક્તિ અને સેવાકાર્યની શરૂઆત તેઓએ ભજન-કીર્તન દ્વારા કરી પ્રથમ વખત પસવાદળમાં આવેલ વીરપાનાથદાદાના મંદિરથી તેઓની ભજન -સત્સંગની પ્રવૃત્તિ શરૂ થઈ. ત્યારબાદ ગામડે ગામડે ફરી વ્યસનમુક્તિ, સમાજ સુધારણા તથા અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે સરકારી અધિકારીઓ સાથે મળી સતત કાર્યરત રહ્યા છે.
તેમના સંસારિક પરિવારમાં ધર્મપત્ની સીતાબા તથા બે દીકરીઓ ગીતાબેન અને ભારતીબેન તથા પુત્ર રવિભાઈ છે. ભારતીબેન બાળ બ્રહ્મયારી બની જુનાગઢ આશ્રમમાં સેવા આપી રહ્યાં છે.પુત્ર રવિભાઈ સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરીને પોતાના પિતાની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે સક્રિય બની પ્રભુ સેવા તથા લોકસેવામાં જોડાયેલા છે. પરમ પૂજ્ય દોલતરામ મહારાજે સમાજ માટે અનેક કાર્યો કર્યા છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી અંબાજી અને રણુજા પગપાળા યાત્રા દરમ્યાન સેવા કેમ્પો, વિધવા સહાય યોજના તથા ગરીબ વિધાર્થીઓ માટે ફી સહાય જેવી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. દીકરીઓ માટે પોસ્ટમાં ૨૫૦ રૂપિયાની યોજના અંતર્ગત સહાય, બ્લડ ડોનેશન, ગરમીની ઋતુમાં પાણીની પરબો, છાશ કેન્દ્રો તથા વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો માટે આરોગ્ય સેવા જેવી પ્રવૃત્તિઓમાં તેઓ સતત સક્રિય રહ્યા છે. તેમના સ્થાપિત ત્રણ આશ્રમો જેવા કે, નોરતા ધામ (પાટણ), જુનાગઢ ભવનાથ તળેટી અને ધામડી (તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા)માં હજારો લોકોએ રહેઠાણ અને ભોજનની નિ:શુલ્ક સુવિધાઓ મેળવી છે. જુનાગઢમાં મહાશિવરાત્રિના દિવસે ભારતભરમાંથી આવતા ભક્તો માટે તેઓ નિ:શુલ્ક અન્નક્ષેત્ર ચલાવે છે તથા બહારથી પધારેલ યાત્રાળુઓને તેમના આશ્રમમાં રહેવાની સગવડ પણ પૂરી પાડે છે. ધામડી આશ્રમમાં ગૌશાળા આવેલી છે. ત્યાં નિયમિત રીતે ગાયોની સેવા થાય છે. તેમજ દર શનિવારે વૃદ્ધો માટે ભોજન અને સત્સંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ સ્થળનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નીતિનભાઈ પટેલના હસ્તે થયું હતું. કોરોના જેવી મહામારી
માં,પ.પુ. દોલતરામ મહારાજના ધર્મપત્ની સીતાબા એ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના કોરોના અસરગ્રસ્ત લોકોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા મહારાજને સતત હુંફ પૂરી પાડી હતી.
જ્યારે સમાજ અકળાયેલો હતો, ત્યારે દોલતરામ મહારાજે નરભેરામ અન્ન ક્ષેત્ર આશ્રમ પરિવાર”ની સાથે મળીને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ જેવા કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ વગેરેમાં એક લાખથી વધુ રાશન કીટો વિતરીત કરી. તેમજ લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદ લોકોને ભોજન તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપીને માનવસેવાના અનેક ઉદાહરણો રજૂ કર્યા છે. આ સેવાકાર્યને ધ્યાનમાં લઇ “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન” તથા ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા મુંબઈ ખાતે “તારક મહેતા કા ઉલટા ચશ્માં ફેમ નિર્દેશક આસીત મોદી તથા એકટર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી તથા નિ:સ્વાર્થ સેવા સંગઠનના ચેરમેન નીતિન ધોતિયાના હસ્તે પ.પુ. દોલતરામ મહારાજને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
પ.પુ. દોલતરામ મહારાજનું જીવન હકીકતમાં લોકસેવા અને પ્રભુસેવાથી તરબતર છે. આજની તારીખમાં તેમના દ્વારા સ્થાપિત આશ્રમો લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂકયા છે. ભજન-કીર્તન તથા સત્સંગની સાથે અલૌકિક સમાજ સેવા માટે તેમનું સમર્પિત જીવન એક અમુલ્ય દ્રષ્ટાંત બની ગુજરાતના ઇતિહાસમાં સદૈવ સ્મરણિય રહેશે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here