પાટણ:
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પાટણ જિલ્લા પોલીસ વડા (SP) ડૉ. રવિન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે પાટણ ખાતે એક વિશેષ જનહિત કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અને બેંકિંગ ક્ષેત્રના સમાનવય સાથે આયોજિત આ કાર્યક્રમમાં ‘તેરા તુજકો અર્પણ’ અને વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.


વ્યાજખોરોના વિષચક્રમાંથી મુક્તિ માટે રૂ. ૫.૫ કરોડની લોન મંજૂર
કાર્યક્રમ દરમિયાન લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) અને વિવિધ બેંકોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આશરે રૂ. ૫.૫ કરોડ જેટલી માતબર રકમની લોન જરૂરિયાતમંદ અરજદારોને સ્થળ પર જ મંજૂર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિકારીએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, “નાની કે મોટી કોઈપણ પ્રકારની લોનની જરૂરિયાત હોય, તો સામાન્ય નાગરિકોએ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા વગર પોતાની નજીકની સરકારી કે સહકારી બેંકોનો જ સંપર્ક કરવો જોઈએ.”

પોલીસની કડક ચેતવણી: વ્યાજખોરો સામે થશે કડક કાર્યવાહી
પોલીસ વિભાગે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે કટિબદ્ધતા દર્શાવતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ નાગરિક ગેરકાયદેસર વ્યાજ વસૂલતા તત્વોથી પીડાતો હોય કે કોઈ નાણાં ધીરનાર તરફથી હેરાનગતિ થતી હોય, તો ડર્યા વગર અને કોઈપણ પ્રકારના સંકોચ રાખ્યા વિના સીધો પોલીસનો સંપર્ક કરી શકે છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા વ્યાજખોરો સામે પોલીસ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરશે.

‘તેરા તુજકો અર્પણ’ હેઠળ ચોરી થયેલો મુદ્દામાલ પરત કરાયો
પાટણ ડિવિઝન પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ ગુનાઓમાં રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ આજે તેના અસલી માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની ત્વરિત અને સઘન મહેનતને કારણે લાખો રૂપિયાની કિંમતની વસ્તુઓ શોધી કાઢવામાં આવી હતી, જેમાં નીચે મુજબના મુદ્દામાલનો સમાવેશ થાય છે:
- મોબાઈલ ફોન: કુલ ૭૫ નંગ ગુમ કે ચોરી થયેલા મોબાઈલ શોધી કઢાયા.
- વાહનો: ૪ મોટરસાયકલ (બાઈક) અને ૧ ફોર-વ્હીલર ગાડી.
- રોકડ રકમ: અંદાજે રૂ. ૨.૫ લાખની રોકડ.
આ તમામ કિંમતી મુદ્દામાલ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આજે મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવતા નાગરિકોએ પાટણ પોલીસની આ પ્રજાભિમુખ કામગીરીને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.




