પાટણ, તા.6
આજે શ્રાવણ સુદ દસમ અને રવિવારના પવિત્ર દિવસે પાટણ સ્થિત બ્રહ્મક્ષત્રિય છાત્રાલય ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનો માટે વિશેષ બ્રહ્માકુમારી વ્યાખ્યાન તેમજ સમૂહ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના નિધિદીદી અને નીલમ દીદીએ ઉપસ્થિત બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના બાળકો, મહિલાઓ, વડીલો અને વિદ્યાર્થીઓને હૃદયસ્પર્શી સંબોધન કર્યું હતું.


બ્રહ્માકુમારી નિધિદીદીએ ઉપસ્થિત જ્ઞાતિજનોને બ્રહ્માકુમારી સંસ્થાનો સરળ અને સચોટ પરિચય આપ્યો હતો. સાથે જ તેમણે માનવ જીવનમાં આધ્યાત્મિક મૂલ્યો અને સંસ્કારોનું અનોખું મહત્વ સમજાવ્યું હતું.
પાટણ બ્રહ્માકુમારી સેન્ટરમાં આશરે 50 વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલાં બ્રહ્માકુમારી નીલમ દીદીએ વર્તમાન સમયના પ્રશ્નો પર ભાર મૂક્યો હતો. તેમણે ઉપસ્થિત વડીલો, બાળકો અને યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં પરિવારમાં ઊભી થતી મુશ્કેલીઓ અને પારિવારિક વિવાદોને દૂર કરવા માટે જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરવું અત્યંત આવશ્યક છે.
નીલમ દીદીએ વધુમાં ઉમેર્યું હતું કે, “સમય બદલાય રહ્યો છે પરંતુ સમયની સાથે માનવ સ્વભાવ પણ બદલાઈ રહ્યો છે.” માણસમાં વધી રહેલા વ્યસનો, કુસંસ્કારો અને આધુનિકતા તરફની અંધાધૂંધ દોટ માનવ જીવનને અસ્તવ્યસ્ત કરી રહી છે. આજના વ્યસ્ત સમયમાં વાલીઓ દ્વારા બાળકોને પૂરતો સમય ન અપાવાના કારણે તેમને સાચા સંસ્કારો મળતા નથી, અને સમય વીતી ગયા બાદ માત્ર પસ્તાવો કરવાનો વારો આવે છે.
પોતાના વક્તવ્યમાં તેમણે પાટણમાં બ્રહ્માકુમારી સંસ્થાની સ્થાપનાથી લઈને આજદિન સુધીની પ્રેરણાદાયી સફર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાએ અત્યાર સુધી અનેક પથભ્રષ્ટ યુવાનો, સ્ત્રીઓ અને બાળકોને સાચું માર્ગદર્શન આપીને જીવનના સાચા રસ્તે લાવવાનું સત્કાર્ય કર્યું છે.
કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ તેમજ મુકેશભાઇ સાંભર્યું હતું.
આ અધ્યાત્મિક કાર્યક્રમ બાદ સમગ્ર જ્ઞાતિજનોએ ઉત્સાહભેર સમૂહ ભોજનનો લાભ લીધો હતો અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.




