પાટણ:
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વે પાટણ શહેરના રાજકારણમાં મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાટણ શહેર ભાજપના સક્રિય કાર્યકર અને વર્ષ 2021ની નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં-1 માંથી લડનાર સંગીતાબેન રાવળે કેસરીયો છોડી ‘ઝાડુ’ પકડતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
ભાજપના મજબૂત મહિલા નેતાનું પક્ષપલટો
સંગીતાબેન રાકેશકુમાર રાવળ પાટણ શહેર ભાજપના જાણીતા ચહેરા ગણાય છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં વોર્ડ નં-1 માંથી ઉમેદવાર તરીકે તેઓ 1500થી પણ વધુ મત મેળવવામાં સફળ રહ્યા હતા. પક્ષમાં સારી પકડ હોવા છતાં, આજે તેમણે ભાજપ સાથેનો છેડો ફાડી આમ આદમી પાર્ટીની ‘ઈમાનદાર અને ક્રાંતિકારી’ વિચારધારા સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો.
વોર્ડ નં-1 માં સમીકરણો બદલાશે?
સંગીતાબેન રાવળના આમ આદમી પાર્ટીમાં પ્રવેશ સાથે જ પાટણના વોર્ડ નં-1 માં રાજકીય ગણિત બદલાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નં-1 માં સંગીતાબેન પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે.
આગેવાનોની હાજરીમાં વિધિવત પ્રવેશ
આમ આદમી પાર્ટીમાં જોડાવાના આ પ્રસંગે પાર્ટીના અગ્રણી નેતા નિકેશજી ઠાકોર અને વોર્ડ નંબર-5 ના ઉમેદવાર હિતેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગીતાબેનને પક્ષમાં આવકારી જણાવ્યું હતું કે, તેમના જોડાવાથી પાટણમાં આમ આદમી પાર્ટીની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે.
ભાજપના એક મજબૂત સભ્યના આ પક્ષપલટાએ આગામી દિવસોમાં પાટણના રાજકારણમાં નવા વળાંકો આવવાના સંકેતો આપ્યા છે.




