પાટણ: જિલ્લામાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવા બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત SOG પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ ટીમે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, SOG ટીમ ચાણસ્મા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોજે ઝીલીયા ગામથી કેશણી ગામ તરફ આવેલા પુલની ડાબી બાજુએ બાવળોની ઝાડીઓમાં એક શખ્સ દેશી બનાવટની બંદૂક લઈને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા એક શખ્સ કોઈપણ પાસ કે પરવાના વગરની ગેરકાયદે દેશી હાથ બનાવટની બંદૂક (નંગ-૧, કિંમત રૂ. ૫,૦૦૦) સાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીનું નામ સાજનભાઇ જુમ્માભાઇ ઇસ્માઇલભાઇ સિંધી (ડફેર) (ઉં.વ. ૪૦, રહે. ગણવાડા, તા. સિદ્ધપુર, જી. પાટણ) હોવાનું ખુલ્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ કાકોશી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનો ઇતિહાસ સામે આવ્યો છે. પોલીસે હથિયાર જપ્ત કરી આરોપી સામે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અર્થે તેને ચાણસ્મા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
આ સફળ કામગીરીમાં SOG પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. ઠાકોર, ASI બળદેવસિંહ પ્રવિણજી, અ.પો.કો. રંભાજી બાલાજી, આ.પો.કો. હેતુભા લક્ષ્મણજી તથા આ.પો.કો. ભરતજી હમીરજી જોડાયા હતા.




