ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. 27 થી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન આયોજિત પાંચ દિવસીય નિઃશુલ્ક ‘ફંડામેન્ટલ્સ ઑફ ડ્રોન મેકિંગ’ ટ્રેનિંગ પ્રોગ્રામ સફળતાપૂર્ણ સંપન્ન થયો. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સહભાગીઓને ડ્રોન ટેકનોલોજીના મૂળભૂત સિદ્ધાંતો, ડ્રોનની એસેમ્બલી અને બનાવટ, એરોડાયનેમિક્સ, ફ્લાઇટ ઓપરેશન્સ, GPS, એવિઓનિક્સ, ફ્લાઇટ કંટ્રોલર, ડ્રોન ટેસ્ટિંગ અને કેલિબ્રેશન જેવા વિવિધ વિષયોનું થિયરી સાથે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.

ટ્રેનિંગ પ્રોગ્રામના અંતે સહભાગીઓના જ્ઞાન અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં સહભાગીઓએ સરેરાશ 72.40 ટકા પરિણામ મેળવ્યું હતું. પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા સહભાગીઓમાં (1) વ્યાસ અંશ કલ્પેશકુમાર, (2) પટેલ મિહિરકુમાર રોહિતભાઈ અને (3) યશ પ્રજાપતિનો સમાવેશ થાય છે. કાર્યક્રમના સમાપન પ્રસંગે તમામ સહભાગીઓને તાલીમ પૂર્ણ કર્યાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં ડ્રોન ટેકનોલોજીનું મહત્વ સતત વધી રહ્યું છે. કૃષિ, સંરક્ષણ, સર્વેક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, ઉદ્યોગ અને અન્ય અનેક ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ ઝડપથી વિસ્તરી રહ્યો છે. યુવાનોમાં વૈજ્ઞાનિક અભિગમ, ટેકનિકલ ક્ષમતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ દ્વારા ભવિષ્યમાં પણ આવા કૌશલ્યવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.




