વિચરતા સમુદાય સમર્થન મંચના ‘માવજત’ પ્રોજેક્ટ હેઠળ ગામડે-ગામડે ફરીને અશક્ત માવતરો સુધી ખુશીઓ પહોંચાડાઈ

પાટણ: વિચરતા અને વિમુક્ત સમુદાયોના ઉત્થાન માટે કાર્યરત ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ (VSSM) દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે પાટણ જિલ્લાના અશક્ત, નિરાધાર અને એકાકી જીવન જીવતા વૃદ્ધોના ચહેરા પર ખુશી લાવવા માટે વિશેષ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક મિત્તલબેન પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘માવજત’ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના આશરે ૧૫૦ જેટલા જરૂરિયાતમંદ વડીલોને બે ટંકનું ભોજન સરળતાથી મળી રહે તે માટે એક માસ ચાલે તેટલી રાશનકીટ સાથે દિવાળી નિમિત્તે મીઠાઈ અને ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંસ્થાના સમર્પિત કાર્યકર મોહનભાઈ બજાણીયા દ્વારા હારીજ ખાતેની શાખા કચેરી તેમજ વિવિધ અંતરિયાળ ગામડાઓમાં રૂબરૂ જઈને આ કીટ અને મીઠાઈ પહોંચાડવામાં આવી હતી. તહેવારોના દિવસોમાં ઘરઆંગણે રાશન સાથે મીઠાઈ-ફરસાણ મળતાં વડીલો ગદગદિત થઈ ઉઠ્યા હતા અને તેમણે અંતરના આશીર્વાદ વરસાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ૭૦ વર્ષથી વધુ ઉંમરના હોય, શારીરિક અશક્તતાને કારણે કમાઈ શકે તેમ ન હોય અને કોઈનો સહારો ન હોય તેવા માવતરોની ઓળખ કરીને સંસ્થા નિયમિત સહાય પહોંચાડવાનો પ્રયાસ કરે છે. સમાજમાં જો કોઈ આવા નિરાધાર વૃદ્ધ ધ્યાને આવે તો સંસ્થાના પ્રતિનિધિ મોહનભાઈ બજાણીયા (મો. ૯૦૯૯૯ ૩૬૦૧૭) પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે, જેથી તેમને પણ સમયસર મદદ પૂરી પાડી શકાય.




