રાધનપુર નગરપાલિકામાં “પ્રમુખ ગુમ છે” તેવા બેનરો પ્રદર્શિત કરી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો…

પાટણ તા.૧૮
રાધનપુર શહેરમાં રોડ-રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોર સહિતના અનેક પ્રશ્નોને લઈને નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે આ તમામ સમસ્યાઓનાં નિકાલની માંગ સાથે ગુરુવારે મહિલાઓના ટોળાએ નગરપાલિકા કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરી પાલિકા પ્રમુખ ગુમ ના નારા સાથે પાલિકા પ્રમુખ ની ખુરશી ઉપર પોસ્ટર લગાવી રોષ વ્યક્ત કર્યો હતો.
શહેરના પ્રશ્નોની રજૂઆત કરવા માટે નગરસેવક જયાબેન ઠાકોર સહિત અનેક મહિલાઓ પ્રમુખના કાર્યાલયે પહોંચી હતી. જોકે, પ્રમુખ ગેરહાજર રહેતા નાગરિકોમાં નારાજગી વધી હતી. વિરોધકર્તાઓએ પ્રમુખની ખુરશી પર “પ્રમુખ ગુમ છે” અને નગરપાલિકાના પ્રવેશદ્વાર પર “સત્તાધિશોને પ્રજાની ચિંતા નથી, નાગરિકો આશા ન રાખે” તેવા બેનરો લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પીવાનું પાણી, વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ અને સફાઈ સહિતના મુદ્દાઓ મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સફાઈ કર્મચારીઓને સુરક્ષા કિટ અને પગાર વધારો આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. નાગરિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરીને શહેરમાં વસ્તીની સામે કર્મચારીઓની ઓછી સંખ્યાનો મુદ્દો પણ રજૂ કર્યો હતો.
નાગરિકોનો આક્ષેપ છે કે પ્રમુખ સતત ગેરહાજર રહેતા હોવાથી શહેરીજનોની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી અને લોકોમાં નારાજગી વધી રહી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here