વાગડોદ પોલીસ સ્ટેશન હદમાં નોંધાયેલા બેંક છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા કુલ ચાર આરોપીઓને વાગડોદ પોલીસે ઝડપી પાડતા મોટા ખુલાસા થયા છે.
પોલિસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. તે મુજબ નાયબ પોલીસ અધિક્ષક, સિદ્ધપુર વિભાગના કે.કે.પંડયા ના માર્ગદર્શન હેઠળ પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસના ઈન્ચર્જ પોલીસ ઈન્સપેક્ટર પી.એમ. બોડાણા અને તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે સચોટ પગલાં ભરી કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ગુના રજીસ્ટર નંબર 11217040240060/2024 હેઠળ ઇપીકો કલમ 406, 420, 465, 467, 468, 471, 472, 475, 120(બી) અને 114 મુજબ આરોપીઓએ કાનોસણ સેવા સહકારી મંડળીમાંથી લોન મેળવવા જમીનના 7/12 અને 8-A ના ખોટા દસ્તાવેજો તૈયાર કરી બેંકમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ બેંકમાંથી કુલ રૂપિયા બે કરોડ સુડતાલીસ લાખ છ હજાર છસ્સો ત્રેવીસ ની લોન લઈ રકમ પરત કર્યા વિના બેંકને છેતરી હોવાનું બહાર આવ્યું છે.
આ ગેરરીતિઓ અને દસ્તાવેજોની ફર્જી બનાવટમાં સંડોવાયેલા તથા લાંબા સમયથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઠાકોર માલસંગજી વિરસંગજી ચંદાજી, ઠાકોર ફતાજી જેતાજી ગંભીરજી, ઠાકોર લખાજી ઉર્ફે લાખાજી મંગાજી, ઉર્ફે મગનજી હેમાજી, ઠાકોર ભાવસંગજી ઉદાજી હેમાજીને પોલીસએ ઝડપી લીધા છે.
આ સમગ્ર કામગીરીમાં વાગડોદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર પી.એમ. બોડાણા, હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ હરિગોવનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ માવજીભાઈ નાગજીભાઈ, સહાયક પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ કલ્યાણભાઈ સહીતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી અને ચારેય આરોપીઓને અટકમાં લઈ આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે…….



