અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી ડી-કેબિન ખાતે નવી ‘વાય’ (Y) કનેક્ટિવિટીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ નોન-ઈન્ટરલોકિંગ કામગીરીને પગલે સાબરમતી અને ખોડિયાર વચ્ચે આગામી ૧૪ એપ્રિલ, મંગળવારના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેના કારણે ઉત્તર ગુજરાત તરફ જતી પેસેન્જર ટ્રેનો સહિત અનેક ટ્રેનોના શિડ્યુલ ખોરવાશે.
મુખ્ય ફેરફારો એક નજરે:
- ૮ ટ્રેનો સંપૂર્ણ રદ: સાબરમતીથી કટોસણ રોડ, પાટણ અને મહેસાણા વચ્ચે દોડતી કુલ ૮ ટ્રેનો મંગળવારે રદ રહેશે.
- વંદે ભારત સહિત ૫ ટ્રેનો ડાયવર્ટ: ટ્રાફિક બ્લોકને કારણે બે વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને ઈન્ટરસિટી સહિત પાંચ મહત્વની ટ્રેનોને નિર્ધારિત રૂટને બદલે ખોડિયાર-ચાંદલોડિયા માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવશે.
- આંશિક અસર: જોધપુર માર્ગની ટ્રેનોને આંશિક રીતે રદ કરાઈ છે, જ્યારે યોગા એક્સપ્રેસને શોર્ટ ટર્મિનેટ (નિર્ધારિત સ્ટેશન પહેલા રોકી દેવી) કરવામાં આવશે.
મુસાફરો માટે મહત્વની સૂચના
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, સાબરમતી ડી-કેબિન ખાતે નવી વાય કનેક્ટિવિટીની કામગીરી રેલવે નેટવર્કને વધુ સુદ્રઢ બનાવવા માટે અનિવાર્ય છે. મંગળવારે મુસાફરી કરનારા પ્રવાસીઓને રેલવે હેલ્પલાઈન અથવા સત્તાવાર એપ પર ટ્રેનનું સ્ટેટસ ચેક કરીને જ સ્ટેશન પર આવવા વિનંતી કરવામાં આવી છે.



