પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ સહિત અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

સિદ્ધપુર: નૂતન વર્ષના પાવન અવસરે સામાજિક સમરસતા અને પરસ્પર ભાઈચારાની ભાવનાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે સિદ્ધપુર સ્થિત ગોકુલ મિલ ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ‘દિવાળી અને નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં સિદ્ધપુર શહેર અને તાલુકા ઉપરાંત સમગ્ર પાટણ જિલ્લામાંથી અંદાજે ૩,૦૦૦ જેટલા નાગરિકો, કાર્યકરો અને શુભેચ્છકોએ ઉત્સાહભેર ઉમટી પડીને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સંગઠન અને વહીવટી પાંખના અનેક વરિષ્ઠ આગેવાનો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર તેમજ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલની વિશેષ હાજરી નોંધપાત્ર રહી હતી. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી સંગઠનના વિવિધ મોરચાના પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો, વેપારી મંડળના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.
સમારોહને સંબોધતા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત જનમેદનીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “દિવાળી અને નૂતન વર્ષના આવા સ્નેહમિલન સમારોહો માત્ર ઔપચારિક મુલાકાત નથી, પરંતુ તે સમાજમાં એકતા, સંપ અને પરસ્પર સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનું એક સશક્ત માધ્યમ છે. સૌના સાથ અને સહકારથી સિદ્ધપુર અને સમગ્ર વિસ્તારની વિકાસયાત્રા આગામી સમયમાં વધુ વેગવંતી બનશે.” આ પ્રસંગે તેમણે સૌ નાગરિકો અને તેમના પરિવારજનોને નૂતન વર્ષ નિમિત્તે ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભવિકભાઈ પટેલે ઉપસ્થિત સૌ નાગરિકોને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા અને સંગઠનની એકતા પર ભાર મૂક્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગોકુલ મિલ પરિસરમાં ઉત્સવ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. નાગરિકોએ આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. ઉપસ્થિત સૌ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.




