ગુજરાતનું ગૌરવ: પાટણના ડૉ. જય ધ્રુવની નવીન શોધને યુરોપિયન યુનિયનના ૨૭ દેશોમાં એકસાથે માન્યતા, આંતરરાષ્ટ્રીય સિદ્ધિથી વિશ્વફલક પર ભારતનું નામ રોશન

પાટણના યુવા સંશોધકની વૈશ્વિક સિદ્ધિ —ભારત અને બ્રિટન બાદ હવે યુરોપિયન યુનિયનમાં પણ ડૉ. જય ધ્રુવની નવીનતાનો ડંકો

પાટણ: ગુજરાતના સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રમાંથી સમગ્ર ભારત માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. યુવા સંશોધક, શિક્ષણવિદ્ અને ઇનોવેટર ડૉ. જય ધ્રુવની શોધ ને યુરોપિયન યુનિયનના તમામ ૨૭ દેશોમાં એકસાથે માન્યતા પ્રાપ્ત થઈ છે. યુરોપિયન યુનિયન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ (EUIPO) દ્વારા તેમની શોધ ને માન્યતા આપવામાં આવી છે. એક જ નોંધણી દ્વારા યુરોપના ૨૭ દેશોમાં બૌદ્ધિક સંપદા સુરક્ષા પ્રાપ્ત કરવાની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિથી ડૉ. જય ધ્રુવે માત્ર પાટણ કે ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષનું ગૌરવ વધાર્યું છે.

ડૉ. જય ધ્રુવને અગાઉ ભારત સરકાર દ્વારા તેમની નવીન શોધ ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ (Interactive Relaxation Pod) માટે પેટન્ટ પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત બ્રિટનમાં પણ તેમની ટેક્નોલોજીકલ ડિઝાઇનોને બૌદ્ધિક સંપદા નોંધણી મળી ચૂકી છે. હવે યુરોપિયન યુનિયન દ્વારા નવી શોધ ને સત્તાવાર માન્યતા મળતાં તેમની સંશોધન યાત્રામાં વધુ એક આંતરરાષ્ટ્રીય સીમાચિહ્ન ઉમેરાયું છે.

યુરોપિયન યુનિયન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ દ્વારા રજિસ્ટ્રેશન નંબર 015149688-0001 હેઠળ તેમની શોધ ને ‘બૂથ્સ’ (Booths) કેટેગરીમાં નોંધવામાં આવી છે, જેનું સત્તાવાર પ્રકાશન કરવામાં આવ્યું છે. આ નોંધણી દ્વારા યુરોપિયન યુનિયનના તમામ ૨૭ સભ્ય દેશોમાં તેમની શોધ ને માન્યતા મળી ગઈ.

આ દેશોમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ, આયર્લેન્ડ, પોર્ટુગલ, પોલેન્ડ, ગ્રીસ, ચેકિયા, હંગેરી, રોમાનિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા અને સાયપ્રસનો સમાવેશ થાય છે.

ગુજરાતના યુવા ઇનોવેટર દ્વારા પ્રાપ્ત આ આંતરરાષ્ટ્રીય માન્યતા દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે પોતાની નવીનતાઓને સુરક્ષિત કરવા માટે ભારતીય સંશોધકો પણ સક્ષમ છે.આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વધતો માનસિક તણાવ, ચિંતા અને એકાગ્રતાનો અભાવ ગંભીર પડકાર બની રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉ. જય ધ્રુવે માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ વિકસાવેલ છે.

શિક્ષણ, સંશોધન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રે સતત કાર્યરત ડૉ. જય ધ્રુવ પોતાની નવીન શોધો અને બૌદ્ધિક સંપદા નોંધણીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. ભારત, બ્રિટન અને યુરોપિયન યુનિયન સુધી વિસ્તરેલી તેમની સંશોધન યાત્રા પ્રેરણાદાયી ઉદાહરણ છે .

આ સિદ્ધિ અંગે ડૉ. જય ધ્રુવનો સંદેશ છે કે, “મારું સ્વપ્ન છે કે ભારતનો યુવાન માત્ર દુનિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર નહીં, પરંતુ દુનિયા માટે નવી ટેક્નોલોજીનું સર્જન કરનાર બને. મારી દરેક નવીન શોધ ભારતની સંશોધન શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ છે. હું ઇચ્છું છું કે આવનારા સમયમાં ભારતની ઓળખ માત્ર ટેક્નોલોજીના મોટા બજાર તરીકે નહીં, પરંતુ વિશ્વને નવી દિશા આપનારા ઇનોવેશન હબ તરીકે બને.”

આત્મનિર્ભર ભારત, સ્વદેશી સંશોધન અને વૈશ્વિક ટેક્નોલોજીકલ નેતૃત્વના સંકલ્પને સાકાર કરવા માટે આવી સિદ્ધિઓ નવી પેઢીમાં સંશોધન અને સર્જનાત્મકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. ડૉ. જય ધ્રુવની આ ઉપલબ્ધિ ગુજરાત અને સમગ્ર ભારતના યુવાનો માટે એક પ્રેરણાદાયી સંદેશ છે કે દૃઢ સંકલ્પ, નવીન વિચારશક્તિ અને સતત પ્રયત્નો દ્વારા ભારતીય પ્રતિભા વિશ્વના કોઈપણ મંચ પર પોતાની ઓળખ સ્થાપિત કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here