70000 ની કિંમતના 3 મોબાઈલ કબ્જે કરાય
પાટણ: મોબાઇલની દુકાનોમાં દુકાનદારની નજર ચૂકવી મોબાઇલની ચોરી કરનાર શખ્સને પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે રાધનપુર ખાતેથી ચોરીના ૩ મોબાઇલ (કિં.રૂ. ૭૦,૦૦૦) સાથે ઝડપી પાડી ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા મિલકત સંબંધિત અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે રાધનપુર ખાતેથી વાવના વેજીયાવાસ (તા. વાવ, જિ. વાવ-થરાદ) ખાતે રહેતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ નાગજીભાઈ ભાટીને રૂ. ૭૦,૦૦૦ની કિંમતના ૩ ચોરીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ રાધનપુર, ભાભર અને થરાદ વિસ્તારની મોબાઇલ દુકાનોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી:
આશરે વીસેક દિવસ પહેલાં રાધનપુરના વીર સાવરકર કોમ્પલેક્ષમાં આવેલી ‘જય અંબે મોબાઇલ’ નામની દુકાનમાંથી રૂ. ૪૫,૦૦૦ની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઇલ ચોર્યો હતો, જે અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો હતો.
આશરે અઢારેક દિવસ પહેલાં ભાભરની તિરૂપતિ માર્કેટમાં આવેલી ‘ઓમ મોબાઇલ’ દુકાનમાંથી રૂ. ૨૦,૦૦૦ની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઇલ ચોર્યો હતો, જે અંગે ભાભર પોલીસ સ્ટેશનમાં ઇ-એફ.આઇ.આર. દાખલ થયેલ છે.
આશરે દશેક દિવસ પહેલાં થરાદ ખાતે હનુમાન ગોલાઈ પાસે આવેલી ‘ઓનલાઇન મોબાઇલ’ નામની દુકાનમાંથી રૂ. ૫,૦૦૦ની કિંમતનો વીવો કંપનીનો મોબાઇલ ચોર્યો હતો.
પાટણ એલ.સી.બી.એ આરોપી પાસેથી તમામ ૩ મોબાઇલ (કુલ કિં.રૂ. ૭૦,૦૦૦) કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પાટણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પો.સ.ઈ. એસ.બી. સોલંકી, પો.સ.ઈ. પી.વી. ચૌધરી, એ.એસ.આઈ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ, અ.હેડ.કો. લખનકુમાર અમૃતભાઈ, અ.હેડ.કો. હસમુખસિંહ અમરાભાઈ તથા અ.હેડ.કો. સતિષકુમાર અમથાભાઈ જોડાયા હતા.




