ટપાલ ટિકિટ ઇતિહાસ અને વર્તમાન વચ્ચેનો સેતુ : ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત

પાટણની ઐતિહાસિક ધરોહર અને પટોળા દર્શાવતા વિશેષ કવરનું વિમોચન; ૮૬ ફ્રેમ્સમાં દેશ-વિદેશની ટિકિટોનું પ્રદર્શન
સિદ્ધપુર
પાટણ જિલ્લામાં સૌપ્રથમ વખત આયોજિત બે દિવસીય જિલ્લા સ્તરીય ટપાલ ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-૨૦૨૬’નો સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ભવ્ય શુભારંભ થયો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, “ટપાલ ટિકિટ એક નાનકડા રાજદૂત સમાન છે, જે સંસ્કૃતિ અને સભ્યતાથી આપણને પરિચિત કરાવે છે. ડિજિટલ યુગમાં આજની Gen-Z અને Gen-Alpha પેઢીને ભારતની વિરાસત સાથે જોડવા માટે ફિલેટેલી સર્વશ્રેષ્ઠ માધ્યમ છે.” ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે ટપાલ વિભાગના આ પ્રયાસને બિરદાવતાં જણાવ્યું હતું કે ટપાલ ટિકિટો દેશના ગૌરવશાળી ઇતિહાસ અને વર્તમાન વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) એમ. એસ. રાવે પણ ફિલેટેલીને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક ગણાવી હતી.કાર્યક્રમ દરમિયાન ટપાલ વિભાગ દ્વારા ‘પાટણની વિરાસત’ અને ગાંધી આશ્રમ, ઝીલિયા પર વિશેષ કવર તથા વિશેષ વિરૂપણ (Special Cancellation) જારી કરવામાં આવ્યા હતા. ‘પાટણની વિરાસત’ કવરમાં રાણી કી વાવ, રુદ્ર મહાલય, બિંદુ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ અને જગવિખ્યાત પટોળાને વિશેષ સ્થાન અપાયું છે.પ્રદર્શનની મુખ્ય વિગતો:
- દેશ-વિદેશની અનોખી ટપાલ ટિકિટો ધરાવતી કુલ ૮૬ ફ્રેમ્સ પ્રદર્શિત કરાઈ.
- મુલાકાતીઓ પોતાની કે સ્વજનોની તસવીર વાળી ટિકિટ છપાવી શકે તે માટે ‘માય સ્ટેમ્પ’ કાઉન્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યું.
- પ્રદર્શન ૬ ઓક્ટોબર સુધી સવારે ૧૦:૩૦થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.
- વિદ્યાર્થીઓ માટે પત્રલેખન, પ્રશ્નોત્તરી તથા સ્ટેમ્પ ડિઝાઇનિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં ટપાલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ ફિલેટેલિસ્ટ્સ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




