અંબાજી ખાતે રાજ્ય અને રાષ્ટ્રીય એવૉર્ડી ટીચર્સ ફેડરેશન ના શૈક્ષણિક અધિવેશનમાં પાટણના સાત કર્મયોગી શિક્ષકોએ પાટણનું ગૌરવ વધાર્યું

ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવૉર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા તા. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ અંબાજી ખાતે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત એવોર્ડી શિક્ષકોનું ભવ્ય અધિવેશન યોજાયું હતું. જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર,પૂર્વ નિયામક ડૉ.એમ.આઈ. જોશી,શ્રીરામ વિદ્યાલય ફાઉન્ડેશન ટ્રસ્ટ, પાલનપુરના ઓનર તથા ભામાશા દાતા શ્રી રામચંદ્રભાઈ પટેલ, દ્વારકા જિલ્લાના ડી.પી.ઓ. શ્રીમતી મધુબેન ભટ્ટ, તથા મહેસાણા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી મનુભાઈ ચોક્સી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ અધિવેશનમાં પાટણના કાંસા હાઈસ્કૂલના શિક્ષક ડૉ.રાજગોપાલ મહારાજા તથા બી.એમ. હાઈસ્કૂલનાં શિક્ષિકા શ્રીમતી ભાવનાબેન પટેલને વર્ષ 2025માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા.


આ ઉપરાંત રાજ્ય કે રાષ્ટ્રીય એવૉર્ડ પ્રાપ્ત કર્યા પછી પણ જ્ઞાન પિયાસા અને સંશોધન વૃત્તિ અવિરત ચાલુ રાખીને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત (Ph.D) પ્રાપ્ત કરનાર પી.પી.જી. એક્સપરીમેન્ટલ હાઈસ્કૂલના ઈ.આચાર્ય ડૉ.ઝેડ.એન.સોઢા, શેઠ એમ.એન.હાઈસ્કૂલના આચાર્ય ડૉ.ધનરાજભાઈ ઠક્કર,શ્રી અભિનવ હાઈસ્કૂલના આચાર્ય ડૉ.રૂપેશભાઈ ભાટિયા તથા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક ડૉ.મધુસુદન ઠક્કરને ‘વિદ્યાનિધિ પારિતોષિક’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે રમતગમત ક્ષેત્રે નેશનલ કોચ તરીકે વિશિષ્ટ કામગીરી કરનાર શ્રીમતી એમ.કે.વ્યાસ અને વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણ ના પૂર્વ આચાર્ય ઘેમરભાઈ દેસાઈ ને ‘રમત માર્ગદર્શક પારિતોષિક’ થી સન્માનિત કરવામાં આવ્યા.

પાટણના આ સાતેય કર્મયોગી એવોર્ડી શિક્ષકોને કચ્છી શાલ,સન્માનપત્ર તથા શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાટણ જિલ્લાની શિક્ષણ ક્ષેત્રની પ્રતિભા અને વિશિષ્ટ કામગીરીને ઉજાગર કરતું આ સન્માન સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધારનારું બની રહ્યું છે. શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સતત નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહેલા આ સાતેય કર્મયોગીઓની સિદ્ધિ અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષક ફેડરેશનના પ્રમુખશ્રી શૈલેષભાઈ પટેલ, મહામંત્રીશ્રી સંજયભાઈ પટેલ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા આ ભવ્ય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here