ગાંધી જયંતિ નિમિત્તે  પાટણમાં ‘સેવા હી સંકલ્પ અભિયાન’ અંતર્ગત આનંદ સરોવર ખાતે પાટણ વહીવટી તંત્ર અને રોટરી ક્લબ દ્વારા સફાઈ અભિયાન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન

“સ્વચ્છતા કોઈ એક વિભાગનું નહીં, સૌની સહિયારી જવાબદારી છે” : કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા

‘સેવા હી સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાટણ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, પાટણ નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા સહિત ઉપસ્થિત મહાનુભાવો, અધિકારી-કર્મચારીઓ અને નાગરિકોએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત પાટણ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારી-કર્મચારીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ આનંદ સરોવર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું હતું.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આયોજિત ‘સેવા હી સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા અંગે શપથ ગ્રહણ કરી સ્વચ્છ પાટણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાએ ઉપસ્થિત નાગરિકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ગાંધી જયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારી-કર્મચારીઓ અને પાટણ નગરપાલિકાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ આનંદની બાબત છે. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતાનો સુંદર સંદેશ આપ્યો છે, જે અભિનંદનને પાત્ર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ માત્ર પ્રતીકાત્મક ન રહે, પરંતુ તેને રોજિંદા જીવનમાં ઉતારવાની જરૂર છે. શહેરમાં કોઈ સ્થળે પ્લાસ્ટિક કે અન્ય કચરો જોવા મળે તો નાગરિકો નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ એપ્લિકેશન મારફતે તેનો ફોટો અપલોડ કરી શકે છે, જેથી નગરપાલિકા દ્વારા જરૂરી સફાઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ‘બિફોર-આફ્ટર’ની સ્થિતિ પણ જાણી શકાય.

જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા કોઈ એક સંસ્થા કે વિભાગનું કામ નથી, પરંતુ સૌની સહિયારી જવાબદારી છે. પાટણ શહેર સ્વચ્છ રહેશે તો આપણું જીવન અને સમગ્ર સમાજ સ્વચ્છ તથા સ્વસ્થ રહેશે. તેથી દરેક નાગરિકે જાગૃત બની સ્વચ્છતા જાળવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન રાવલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મેહુલ બરાસરા, પ્રાંત અધિકારીશ્રી જેનીશ પાંડવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.કે. મકવાણા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી હિરલબેન ઠાકર સહિતના અધિકારી-કર્મચારીઓ, મહાનુભાવો, સંગઠનના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here