પાટણ: ગુજરાતી ફિલ્મ જગતમાં નિયમિત લવ સ્ટોરી અને કોમેડીથી અલગ, સામાજિક સંદેશ અને જીવનની વાસ્તવિકતાઓને સ્પર્શતી ‘રંગા’ ફિલ્મે પાટણના પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. પાટણના સને લાઈટ થિયેટરમાં યોજાયેલા વિશેષ શો દરમિયાન ફિલ્મના કલાકારો અને નિર્માતા મંડળ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પત્રકારો, શહેરના સિનેપ્રેમીઓ તેમજ પાટણમાં ‘ભાઈ ભાઈ’ તરીકે જાણીતા અશોક રાજ પણ ફિલ્મ નિહાળવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મની શરૂઆતથી અંત સુધી કથાનો રસ જળવાઈ રહે તેવી મજબૂત પટકથા, ભાવનાત્મક દૃશ્યો અને સશક્ત અભિનયના કારણે પ્રેક્ષકો એક ક્ષણ માટે પણ કંટાળ્યા નહોતા. ફિલ્મમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સમાજને સ્પર્શતો અર્થસભર સંદેશ પણ આપવામાં આવ્યો છે.
પત્રકાર રાજુભાઈ ઠક્કર દ્વારા ફિલ્મના કલાકારો સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું કે ફિલ્મમાં શિક્ષણના અભાવથી વ્યક્તિના જીવનમાં ઊભી થતી મુશ્કેલીઓ, ભણતરનું મહત્વ, ખોટા નિર્ણયોનું પરિણામ અને સામાન્ય માણસ કેવી રીતે સંજોગોના કારણે પોલીસના શકંજામાં ફસાઈ ગુનેગાર બનવા મજબૂર બને છે, તે ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ પૈસા અને સ્વાર્થની લાલચમાં માણસ કેવી રીતે માનવતા ભૂલી જાય છે અને બીજાના જીવન સાથે રમત રમે છે, તેનું પણ હૃદયસ્પર્શી ચિત્રણ કરવામાં આવ્યું છે.
ફિલ્મના મુખ્ય કલાકાર ગૌરાંગ આનંદ અને મેહુલ દેસાઈએ પોતાના અભિનયથી પાત્રોને જીવંત બનાવી દીધા છે. જ્યારે દિગ્દર્શક શ્રીકાંત ચૌધરીના સચોટ દિગ્દર્શન અને નિર્માતા પ્રશાંત બસવરાજના પ્રયાસોથી પર્ણિકા મોશન ફિલ્મ્સના બેનર હેઠળ એક ગુણવત્તાસભર અને વિચારપ્રેરક ગુજરાતી ફિલ્મ દર્શકો સુધી પહોંચી છે.
શો પૂર્ણ થયા બાદ પાટણના પત્રકારો પોતાના પરિવાર સાથે તેમજ શહેરના મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોએ ફિલ્મના કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રેક્ષકોએ એકસ્વરે જણાવ્યું કે ‘રંગા’ માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નથી, પરંતુ સમાજને વિચારવા પ્રેરતી અને દરેક પરિવારે નિહાળવા જેવી ઉત્તમ ગુજરાતી ફિલ્મ છે.
Home Entertainment ગુજરાતી ફિલ્મ ‘રંગા’એ પાટણમાં જીત્યા પ્રેક્ષકોના દિલ; અનોખા વિષય અને જબરદસ્ત અભિનયથી...




